રાજકોટ
News of Tuesday, 14th May 2019

પુષ્કરધામમાં ૭ મહિના પહેલા ત્રણ દિવસ બંધ રહેલા મકાનમાં થયેલી ૧૬ાા લાખની ચોરીનો ભેદ ખુલ્યો

સિઝન સ્ટોરવાળા ઇમરાન મેતરના ઘેર ચોરી થઇ હતીઃ સાસુના મકાન વેંચાણની રોકડ, દાગીના અને સીસીટીવીના ડીવીઆર સહિતની મત્તાની ચોરી અંગે જાણભેદૂ હોવાની શંકા સાચી ઠરીઃ ફરિયાદીના સાળીના પતિએ સાગ્રીત સાથે મળી હાથ માર્યો'તોઃ મહિનાઓ સુધી મુંબઇ-આગ્રા ભાગી ગયા બાદ ફરી જામનગર-રાજકોટમાં ઝળકયાની બાતમી પરથી વિજયસિંહ ઝાલા, ફિરોઝ શેખ અને પ્રતાપસિંહ ઝાલાએ દબોચી લીધાઃ ૫,૧૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે :સફળ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓને ૧૫-૧૫ હજારનું ઇનામ આપતાં મનોજ અગ્રવાલ

ડિટેકશનની માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ, પીઆઇ એચ. એમ. ગઢવી સહિતનો સ્ટાફ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪: દિવાળીના તહેવાર દરમિયાન યુનિવર્સિટી વિસ્તારની પુષ્કરધામ સોસાયટીમાં ત્રણ દિવસ બંધ રહેલા મકાનમાંથી થયેલી રોકડ-દાગીના સહિત ૧૬ાા લાખની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે ચોરની ધરપકડ કરી છે.

ઇમરાન ઇસ્માઇલભાઇ મેતર નામના સિઝન સ્ટોર ધરાવતાં વેપારીના ઘરમાં થયેલી આ ચોરીમાં ઇમરાનની સાળીના પતિ અને સાગ્રીતની સંડોવણી ખુલી છે. બનાવ બન્યો ત્યારથી જ ફરિયાદીને કોઇ જાણભેદૂની સંડોવણી હોવાની શંકા હતી. જે સંદર્ભે પોલીસે જુદા-જુદા મોબાઇલ રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજનું લાંબા સમય સુધી પૃથ્થક્કરણ કરી ચોરીમાં સંડોવાયેલા શખ્સો કોણ હોઇ શકે? તેનો નિષ્કર્ષ કાઢ્યો હતો. પરંતુ મહિનાઓ સુધી આ બંને ગુજરાત છોડી મુંબઇ આગ્રા રહેવા ચાલ્યા ગયા હોવાથી લોકેશન મળતું નહોતું.

આ બારામાં પંદરેક દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા મનાતા ચંદુ બચુભાઇ લુણાપીયા (બ્રાહ્મણ) (ઉ.૩૨-રહે. સલાયા ફાટક પાસે, મિલન ચાર રસ્તા, કુંભારવાડા ખંભાળીયા) જામનગરમાં ઝળકયો હતો. આ બાતમી સંદર્ભે દિવસો સુધી વોચ ગોઠવી ચંદુને દબોચી વિશીષ્ટ ઢબની પુછપરછ કરતાં તેણે આ ચોરી કબુલી લીધી હતી. સાથોસાથ તેને સાથે ચોરીમાં સાથ આપનાર  રવિ કાનજીભાઇ ભટ્ટ (રહે. મુળ જામનગર, હાલ અમદાવાદ) વિશે પણ માહિતી ઓકી હતી.

આ માહિતીને આધારે બંનેને દબોચી લઇ પુછપરછ કરવામાં આવતાં એવું બહાર આવ્યું હતું કે ચંદુ બચુભાઇ બ્રાહ્મણે હીના નામની મુસ્લિમ યુવતિ સાથે લવમેરેજ કર્યા હતાં. ફરિયાદી ઇમરાન મેતર (ઘાંચી)ની પત્નિ હીનાની માસીયાઇ બહેન થતી હોવાના નાતે તેના ઘેર રાજકોટ રોકાવવા આવ્યા ત્યારે મેતર પરિવાર દ્વારા તિજોરીમાં રોકડની થતી લે-મુક ચંદુએ નિહાળી હતી. દિવાળી ઉપર મેતર પરિવાર ત્રણ દિવસ કચ્છના સફેદ રણમાં ફરવા ગયું તેની જાણ સ્વાભાવિક રીતે પત્નિ મારફત થતાં તેને કહ્યા વગર સાગ્રીત સાથે ચંદૂ પુષ્કરધામમાં આવ્યો હતો અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી સીસીટીવીથી વાકેફ હોવાથી ડીવીઆર ચોરી લઇ પછી તિજોરીમાંથી ૧૬ાા લાખની મત્તા ચોરી લીધી હતી.

આ રોકડમાં ઇમરાન મેતરના સાસુના મકાન વેંચાણની રકમ તથા વેપારના સાડા આઠ લાખ મળી કુલ ૧૪.૩૦ લાખ રોકડા હતાં અને બાકીના દાગીના હતાં. પોલીસે પાંચ લાખ રોકડા, બે મોબાઇલ મળી ૫,૧૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ચંદુ જામનગર, દ્વારકાની ૭ થી વધુ ચોરીઓમાં અગાઉ ઝડપાઇ ચુકેલો છે. રવિ તેના સગા ભાઇનો સગો સાળો થાય છે અને બંને સાથે મળી ચોરીને અંજામ આપતાં હતાં. આ બંને સામે પ્રોહીબીશન અને વાહનચોરીના ગુના પણ નોંધાયા છે.

ઉપરોકત કામગીરી એસીપી જયદિપસિંહ સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પોલીસમેન સોકતખાન ખોરમ સહિતની ટીમે કરી હતી.

(3:47 pm IST)