રાજકોટ
News of Tuesday, 14th May 2019

ખીજડીયાની ૧૩ વર્ષની સંજના પરમાર પર ટ્રેકટરનું વ્હીલ ફરી વળતાં મોત

કૌટુંબીક કાકા વિનુભાઇ સાથે કુવાડવાથી હટાણુ કરી પરત આવતી વેળાએ બનાવ : ટ્રેકટરનો પાછળનો ભાગ અથડાતાં બાઇક પરથી પડી ગયા બાદ વ્હીલ ફરી ગયું

રાજકોટ તા. ૧૪: કુવાડવા રોડ પર સાત હનુમાન નજીક આવેલા ખીજડીયા ગામે રહેતાં પરમાર (દલિત) પરિવારની ૧૩ વર્ષની દિકરીનું ટ્રેકટરની ઠોકરે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ખીજડીયા રહેતી સંજના રમેશભાઇ પરમાર (ઉ.૧૩) ગઇકાલે સાંજે કોૈટુંબીક કાકા વિનુભાઇ અમરાભાઇ પરમાર (ઉ.૩૦) સાથે તેના બાઇકમાં બેસી કુવાડવા ખરીદી કરવા ગઇ હતી. બંને પરત ખીજડીયા આવી રહ્યા હતાં ત્યારે જીયાણાના  પાટીયા પાસે બાઇકની બંને સાઇડમાંથી એક એક ટ્રેકટર નીકળતાં વિનુભાઇએ પોતાનું બાઇક ઉભુ રાખી દીધુ હતું. એ વખતે એક ટ્રેકટરની ટ્રોલીનો છેડો પાછળ બેઠેલી સંજના સાથે અથડાતાં તેણી બાઇક પરથી પટકાઇ ગઇ હતી અને બાદમાં તેના માથે ટ્રેકટરનું વ્હીલ ફરી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સંજના બે બહેન અને એક ભાઇમાં મોટી હતી અને ધોરણ-૭માં ભણતી હતી. તેના પિતા રમેશભાઇ જીવણભાઇ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

(11:42 am IST)