રાજકોટ
News of Tuesday, 14th May 2019

રાજકોટમાં વધુ એક કરચોરીનું કોૈભાંડ ખુલ્યું: રજપૂતપરાના મંથન રાઠોડની સરકાર સાથે ૨ કરોડ ૬૭ લાખની છેતરપીંડી

બહુમાળી ભવનમાં બેસતી સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીના અધિકારી ગોંડલના વી. એચ. રામાણીની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૪: અમુક વેપારીઓ દ્વારા કરચોરીના કોૈભાંડ આચરાતા હોય છે. અગાઉ પણ કરોડોની વેરાચોરીના કોૈંભાડ સામે આવતાં પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. ત્યાં વધુ એક બનાવમાં રજપૂતપરામાં શૈલેષ ટ્રેડિંગ નામે ઓફિસ ધરાવતાં વેપારીએ ખોટા બીલો ઉભા કરી વેરો ઉઘરાવી સરકાર સાથે રૃા. ૨,૬૭,૭૬,૬૨૬ (બે કરોડ સડસઠ લાખ છોંતેર હજાર છસ્સો છવ્વીસ)ની કરચોરી કરી છેતરપીંડી કર્યાનો ગુનો દાખલ થયો છે. આ બારામાં એ-ડિવીઝન પોલીસે ગોંડલની રામનગર સોસાયટીમાં તુલસી ટાવર રોડ ખાતે રહેતાં અને રાજકોટ બહુમાળી ભવનમાં બેસતી સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરી ઘટક-૨માં રાજ્ય વેરા નિરિક્ષક ઇન્ચાર્જ તથા સંયુકત રાજ્ય વેરા કમિશનરના નિરિક્ષક તરીકે ફરજ બજાવતાં વિશ્વનાથ હીરાલાલ રામાણી (પટેલ) (ઉ.૩૩)ની ફરિયાદ પરથી રજપૂતપરા શેરી નં. ૨/૫માં ખોડિયાર ચેમ્બર્સની બાજુમાં આવેલા અમરદીપ કોમ્પલેક્ષમાં ઓફિસ નં. ૩૧૩માં શૈલેષ ટ્રેડિંગ નામે ધંધો કરતાં મંથન શૈલેષભાઇ રાઠોડ (રહે. અનુરાધા એપાર્ટમેન્ટ રાધાનગર મેઇન રોડ) સામે ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ ૨૦૦૩ની કલમ ૮૫ (૧), (છ), કલમ ૮૫ (૨) (ઠ) મુજબ ટીન નંબર મેળવ્યા બાદ સિમેન્ટ, પેપરવેસ્ટ રિસાયકલ્ડ પેપર અને લાકડાના વેંચાણ અંગેની નોંધણી કરાવી કોઇપણ વેંચાણના વ્યવહારો કર્યા ન હોવા છતાં માત્ર બીલો આપી તેમાં વેરો ઉઘરાવી વેટ કાયદાની જોગવાઇનો ભંગ કરી રૃા. ૨,૬૭,૭૬,૬૨૬ની કરચોરી કરી સરકાર સાથે છેતરપીંડી કર્યાનો ગુનો નોંધ્યો છે.

અધિકારી શ્રી વિશ્વનાથ રામાણીએ ફરિયામદાં આગળ જણાવ્યું છે કે મંથન રાઠોડ રજપૂતપરામાં ઓફિસ રાખી ધંધો કરે છે. તેણે તા. ૭-૪-૧૪થી અમલી બનેલો ટીન નંબર મેળવ્યોહ તો. આ ટીન નંબર સિમેન્ટ, પેપરવેસ્ટ, રિસાયકલ્ડ પેપર અને લાકડાના વેંચાણ માટેનો હતો. ધંધાના સ્થળે તા. ૨/૬/૧૬ના રોજ આકારણી માટે નોટીસ બજાવવાની કામગીરી કરવામાં આવી હતી અને કાયદાની જોગવાઇ મુજબ જરૂરી હિસાબો અને પુરાવા માંગવામાં આવે ત્યારે રજૂ કરવા જણાવાયું હતું.

નોટીસની બજવણી થઇ જવા છતાં મંથન શૈલેષભાઇ રાઠોડએ તેના વ્યવસાયના કોઇ હિસાબો કે જરૂરી પત્રકો કે પુરાવા આકારણી માટે આપ્યા નહોતાં. તેમજ અમારી ઓફિસે હાજર રહ્યા નહોતાં. તેણે ધંધાના સ્થળે કોઇપણ પ્રકારના સિમેન્ટ, પેપરવેસ્ટ, રિસાયકલ્ડ પેપર કે લાકડાનું વેંચાણ કરી માત્ર બિલીંગ પ્રવૃતિ આચરી સરકારી આવકને નુકસાન કરવાનું કૃત્ય કર્યાનું તપાસમાં સામે આવતાં ૧૧/૮/૧૬ના રોજ રજીસ્ટર એડીથી ફાઇનલ આકારણી આદેશ અને માંગણા નોટીસ બજાવી હતી. આમ છતાં તે હાજર રહ્યા નહોતાં

આ વેપારીએ નોંધણી નંબર મેળવ્યા બાદ કાયદાની કલમ ૨૯ હેઠળ પત્રકો ભરવા માટે જવાબદાર હતાં. તેણે નોંધણી નંબર મેળવ્યા બાદ ભરેલા ઓનલાઇન પત્રકો અને વેટીસના રિવર્સ રિપોર્ટના આધારે વર્ષ ૨૦૧૪-૧૫ના સમયમાં ભરેલા પત્રકોમાં નખરીદ વેંચાણના વ્યવહારો ખરેખર કર્યા ન હોવા છતાં રૃા. ૧૪,૩૬,૬૮,૯૭૫ના વેંચાણો દર્શાવી (ઉપજાવી) તેના ખોટા બીલમાં કુલ રૃા. ૯૭,૪૬,૭૫૯નો વેરો રૃા. ૧૪,૩૬,૬૯૦નો વધારાનો વેરો મળી કુલ રૃા. ૧,૨૧,૮૩,૪૪૯નો વેરો ગેરકાયદેસર રીતે ઉઘરાવ્યાનું સામે આવ્યું હતુ.

આ રકમ પર એટલો જ દંડ મળી કુલ રૃા. ૨,૪૩,૪૧,૮૯૮ જેટલા રૂપિયા સરકારના બાકી લેણા નીકળતાં હોઇ તેણે  આ રકમ સરકારમાં ન ભરી કરચોરી કરતાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવાઇ છે. તેમ ફરિયાદના અંતે જણાવાયું છે.

એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.ડી. વસાવાએ ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)