રાજકોટ
News of Monday, 14th May 2018

HDFC ના કર્મચારી સહિત બે ૧.૬૯ કરોડની રદ્દી નોટો સાથે ઝબ્બે

જુનાગઢનો બેંક કર્મચારી કમલ ભટ્ટ પ૦૦ અને ૧૦૦૦ની નોટોના જથ્થા સાથે રાજકોટમાં શાસ્ત્રી મેદાન પાસે અશોક છાંયાની મદદથી નિકાલ કરવાની વેતરણમાં હતો'ને એસઓજીના પીએસઆઇ હિતેન્દ્રસિંહ તથા ટીમે દબોચી લીધા : રદી નોટો કયાં પધરાવવાની હતી તે મુદ્દે બંન્નેની પુછતાછ એસઓજીના ચેતનસિંહ, વિજેન્દ્રસિંહ તથા ગિરીરાજસિંહની બાતમી પરથી દરોડો : બેંક કર્મચારી કમલ ભટ્ટે જુનાગઢમાંથી અલગ-અલગ જગ્યાએથી રદી નોટો એકત્ર કરી'તીઃ રાજકોટના અશોકે આ રદ્દી નોટોની વ્યવસ્થા થઇ જશે તેવી લાલચ આપી કમલ ભટ્ટને રાજકોટ તેડાવ્યો'તો

તસ્વીરમાં રદી નોટોના જથ્થા સાથે પકડાયેલ રાજકોટનો અશોક છાંયા તથા જુનાગઢ એચડીએફસી બેંકનો કર્મચારી કમલ ભટ્ટ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૪: શાસ્ત્રી મેદાન પાસેથી આજે બપોરે શહેર એસઓજીની ટીમે ૧.૬૯ કરોડની પ૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો સાથે જુનાગઢ એચડીએફસી બેંકના કર્મચારી સહીત બે શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલ બંન્ને શખ્સો આ રદ્દી નોટોનો જથ્થો કયાં પધરાવવાના હતા તે મુદ્દે બંન્નેની પુછતાછ હાથ ધરાઇ છે.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત-સંયુકત પોલીસ કમિશ્નર બી.એસ.ભટ્ટ, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા તથા એસઓજીના પીઆઇ એસ.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઓ.પી.સોસોદીયા તથા પીએસઆઇ એચ.એમ.રાણા સહિતનો કાફલો પેટ્રોલીંગમાં હતો ત્યારે એસઓજીના પો.કો. વિજેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહીલ તથા ગીરીરાજશ્રી જાડેજાને બાતમી મળેલ કે શાસ્ત્રી

મેદાન એસટી બસ સ્ટેન્ડ સામે સુચક સ્કુલવાળા રોડ ઉપર બે શખ્સો જંગી રોકડ રકમના જથ્થા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા હોય તુર્ત જ એસઓજીના સ્ટાફે દરોડો પાડી કમલ મુકેશભાઇ ભટ્ટ (રહે. કર્મચારી નગર, બ્લોક નં. ૧૩ મધુરમ ટીંબાવાડી વંથલી હાઇવે જુનાગઢ તથા અશોક પ્રેમજી ભાઇ છાંયા (રહે. માટેલ સોસાયટી, શેરી નં. ર, ભરતભાઇ વાણંદના મકાનમાં મોવડી ચોકડી પાસે રાજકોટ) ને પકડી પાડી તલાશી લેતા બં્ને પાસેથી સરકારે રદ કરેલી ૧,૬૯,ર૭,પ૦૦ની ૧૦૦૦ તથા પ૦૦ના દરની નોટો મળી આવતા બંનેની ધરપકડ કરાઇ હતી.

પોલીસ પુછતાછમાં જુનાગઢના કમલ  ભટ્ટે પોતે જુનાગઢ એચડીએફસી બેંકમાં  ઓટો લોન વિભાગમાં એકઝીકયુટીવ લેવલે  નોકરી કરતા હોવાની અને  રાજકોટના અશોક છાંયાએ રદી નોટોની રાજકોટમાં વ્યવસ્થા થઇ જશે તેવી લાલચ આપતા પોતે જુનાગઢમાંથી અલગ -અલગ જગ્યાએથી રદ થયેલી નોટો એકત્ર કરી રાજકોટના અશોક છાંયાનેે આપવા આવ્યાની કેફીયત આપી હતી. રાજકોટનો અશોક છાંયા મિસ્ત્રી કામ કરે છે અને અગાઉ ટ્રકના વ્યવસાયે સાથે સંકળાયેલ હતો.

પકડાયેલ અશોક છાંયા આ રદ થયેલી નોટોનો કેવી રીતે નિકાલ કરવાનો હતો ? તેમજ જુનાગઢના એચડીએફસી બેંકનો કર્મચારી કમલ ભટ્ટ આ રદ થયેલ નોટો કયંથી લાવ્યો હતો તે મુદ્દે બંન્નેની પુછતાછ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં એસઓજીના પીએસઆઇ સીસોદીયા તથા રાણા સાથે હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા, ધર્મેન્દ્રસિંહ જોડેજા, જયંતી ભાઇ ગોહેલ, અનિલસિંહ ગોહીલ તથા યુવરાજસિંહ જાડેજા જોડાયા હતા.

(3:20 pm IST)