રાજકોટ
News of Wednesday, 14th April 2021

પીપરડી પાસે ચારનો ભોગ લેનાર બ્લાસ્ટ અંગે ફેકટરીના ત્રણ ભાગીદાર સકંજામાં

દેવેશ કારીયા, હાર્દિક પટેલ અને સંજય તૈલીએ સાત માસ પહેલા શરૂ કરી'તી : બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલ, એરપોર્ટ પોલીસ અને ફેકટરી ઇન્સ્પેકટરની તપાસનો ધમધમાટ

રાજકોટ,તા. ૧૪: કુવાડવા -વાંકાનેર રોડ પર પીપરડી ગામ નજીક દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમીકલ ફેકટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા ચારના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં એરપોર્ટ પોલીસે ફેકટરીના ત્રણ ભાગીદારોને સકંજામાં લઇ બ્લાસ્ટ અંગેનું કારણ જાણવા એફએસએલ તથા ફેકટરી ઇન્સ્પેકટર સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

પીપરડી ગામ નજીક આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં પરમ દિવસે રાત્રે બોઇલર ફાટતા ફેકટરીમાં કામ કરતા ચાર શ્રમીકો શરવન રાજેન્દ્રભાઇ મહંતો, મુકેશ દુખનભાઇ મહંતો, દયાનંદ શ્રીરામુદેભાઇ મહંતો, અને બબલુ રામપરવેશભાઇ સિંગના મોત નિપજ્યુ હતા તથા અન્ય ૧૨ થી વધુ શ્રમિકોને ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં એરપોર્ટ પોલીસે મળુ બિહારના વતન પેકાહાગામ હાલ દેવ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિક વિજયકુમાર રામબાબુ મહંતો (ઉવ.૩૮)ની ફરિયાદ દાખલ કરી ફેકટરીના ત્રણ ભાગીદાર દેવેશ કારીયા, હાર્દિક પટેલ, અને સંજય તૈલીને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે. ત્રણેય ભાગીદારે સાત મહિના પહેલા જ ફેકટરી શરૂ કરી હતી. ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગેનું કારણ જાણવા એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળા તથા એફએસએસ અને ફેકટરી ઇન્સ્પેકટર સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(3:44 pm IST)