રાજકોટ
News of Wednesday, 14th April 2021

કોરોના મહામારીની ગંભીર સ્થિતિમાં મોદી સ્કુલે છાત્રોને બોલાવતા હોબાળોઃ DEO સહિતના અધિકારીઓ લાલઘુમ

ગઇકાલે શિક્ષણ બંધ કરાવ્યા બાદ આજે તપાસ કરવા અધિકારી મોકલાયા પોલીસને જાણ કરાશે

રાજકોટ તા. ૧૪ :.. એક બાજુ સરકાર સ્વૈચ્છીક લોકડાઉનની ભલામણ કરે છે આઇએમએ કોરોનાની ચેઇન તોડવા લોકડાઉનની માંગ કરે છે ત્યારે રાજકોટની ધંધાદારી શાળા-ટયુશન કલાસીસ લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરીને ચાલુ રાખતા હોય છે. રાજકોટની મોદી સ્કુલ ઇશ્વરીયા સ્થીત શાખામાં શિક્ષણ કાર્ય ચાલુ રાખતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કૈલાસે આ અંગે જણાવ્યુ હતું કે અમને માહિતી મળી હતી કે ઇશ્વરીયા સ્થીત મોદી સ્કુલ ચાલુ હતી. જયાં તપાસ કરાવતા છાત્રો મળી આવ્યા હતાં. આ અંગે આજે પણ અધિકારીઓને તપાસ કરવા મોકલ્યા છે. જે રીપોર્ટ આવ્યા બાદ પોલીસને જાણ કરાશે.

મોદી સ્કુલે કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને બોલાવતા ડીઇઓ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ આક્રોશમાં હોવાનું જાણવા મળે છે.

જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટની યાદી જણાવે છે કે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા રાજકોટ શહેરની તમામ પ્રાથમિક શાળાઓ જોગ જણાવવાનું કે હાલમાં કોવીડ-૧૯ ની મહામારી પરિસ્થિતિના લીધે કોરોના સંક્રમણ વધી રહેલ છે ત્યારે સરકારશ્રી દ્વારા ધો. ૧ થી ૧ર ના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણ ૩૦ એપ્રિલ ર૦ર૧ સુધી બંધ રાખવાના નિર્દેશો થયેલ છે.

રાજકોટના ઇશ્વરીયા મુકામે આવેલ મોદી સ્કુલના વાલીઓ અને મીડિયા મારફત આજે તા. ૧૩-૪-ર૧ના રોજ શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ હોવાની ફરીયાદ મળતા શાળાનો સંપર્ક કરીને કોઇપણ શિક્ષણ કાર્ય બંધ કરવાની તેમજ વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં કે અન્ય રીતે ભેગા કરવાની મનાઇ હોવા છતાં શાળા કેમ ચાલુ રાખેલ છે તેમ પૂછપરછ કરતા શાળાના ટ્રસ્ટીએ હોસ્ટેલના તમામ બાળકો જમવા લઇ જવાના હોવાનો બચાવ રજૂ કરેલ. જેની તપાસ શિક્ષણ નિરીક્ષકને સોંપવામાં આવેલ છે અને શાળાને કારણદર્શક નોટીસ આપવામાં આવશે અને કસુરવાર જણાયે જોગવાઇ અનુસારની શિક્ષાત્મક કાર્યવાહી અને દંડ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના શિક્ષણ જગતને અપીલ કરવામાં આવે છે કે કોઇપણ રીતે વિદ્યાર્થીઓને ભેગા ન કરે અને સંક્રમતિ થતા બચાવે. આ કોરોના મહામારીમાં સરકારશ્રીનાં જાહેરનામા તથા એસઓપીનું ચુસ્તપણે પાલન કરી બાળકોના જીવ જોખમમાં મુકાતા અટકાવે અને વહીવટી તંત્રને સહયોગ આપે.

(3:41 pm IST)