રાજકોટ
News of Wednesday, 14th April 2021

રાજકોટ મુખ્ય બસપોર્ટ ઉપર રોજેરોજ ઢગલાબંધ મુસાફરોને કોરોના જાહેરઃ ગઇકાલે ૮પ બાદ આજે બપોર સુધીમાં ૪૪ કેસ

અમુક મુસાફરોની ફરીયાદો... ટેસ્ટીંગ કરનારાઓ ઘડી પોઝીટીવ તો ઘડી નેગેટીવ જાહેર કરે છે : બે દિ'માં ૧૩૦ કેસથી ફફડાટઃ કોર્પોરેશનની ટીમો બેઠી છેઃ પણ ટેસ્ટીંગ આડેધડ થતુ હોવાની રાવ : બપોરે ૧ વાગ્યે ટેસ્ટીંગ કીટ ખતમ થતા ટેસ્ટીંગ અટકી પડયું

રાજકોટ, તા., ૧૪: રાજકોટ બસ પોર્ટ જાણે કોરોનાનો અડ્ડો બની ગયો તેમ એવરેજ રોજના ૪૦ થી પ૦ કેસો નીકળી પડતા હાહાકાર મચી ગયો છે. ભારે ફફડાટ ફેલાયો છે. ગઇકાલે ૧ દિ'માં ૮પ કેસો આવ્યા બાદ આજે બપોર સુધીમાં ૪૪ થી વધુ કેસો આવતા આ તમામ મુસાફરોને કોર્પોરેશનની ટીમે હોમ કોરોન્ટાઇન કરી દીધા છે અને ડોકટરોને જાણ કરી છે.

કોર્પોરેટરોને રાજકોટ એસ ટી બસ ડેપો ઉપર કોરોના ટેસ્ટીંગ અંગે એક બુથ બનાવ્યું છે. જેની ઉપર કોર્પોરેશનનો સ્ટાફ બેસે છે. અને ટેસ્ટીંગ કરે છે. હાલમાં કોરોના કેસોમાં ઝડપી ઉછાળો ટેસ્ટીંગ વધારી દેવાયા અને તેમાં બહારથી આવતા કે બહાર જતા સંખ્યાબંધ મુસાફરોને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના ઢગલાબંધ કેસો પોઝીટીવ જાહેર થતા હડકંપ મચી ગયો છે. એસટીના ઉચ્ચ જવાબદાર અધિકારીઓને પુછતા તેમણે અકિલાને જણાવેલ કે ટેસ્ટીંગ કેસો અંગે અમને કોઇ જાણકારી નથી. કોર્પોરેશનની ટીમો કાર્યવાહી કરી રહી છે.

દરમિયાન ગઇકાલે ૮પ કેસો બાદ આજ બપોરે ૧ વાગ્યા સુધીમાં ૪૪ થી વધુ મુસાફરોમાં કોરોના નીકળી પડતા હાહાકાર મચી ગયો છે. દરમિયાન બપોરે ૧ વાગ્યે મળતા અહેવાલો મુજબ એસટી ડેપો પરના કોર્પોરેશનના બુથમાં ટેસ્ટીંગ કીટ પુરી થઇ જતા ટેસ્ટીંગ કામગીરી અટકી પડી છે. બીજી કીટ મંગાવ્યાનું જાણવા મળે છે.

બીજી બાજુ મુસાફરોમાં પણ ફરીયાદો ઉઠી છે કે ટેસ્ટીંગ કરનારાઓ પણ આડેધડ ટેસ્ટીંગ રહે છે. ઘડીમાં એમ કહે છે કે તમને પોઝીટીવ છે અને ૧૦ મીનીટ બાદ ફરી  ટેસ્ટીંગ કરાવો તો કહે છે કે તમને નેગેટીવ છે. મુસાફરો પણ ચિંતાતુર બન્યા છે. આ બાબતે તાકીદે અધીકારીઓ કશુ કરે તેમ માંગણી છે.

(3:41 pm IST)