રાજકોટ
News of Wednesday, 14th April 2021

ગુજરાતને મહામારીમાંથી ઉગારવા માટે લોકડાઉન અનિવાર્ય : દિનેશ ચોવટિયા

રાજકોટ,તા.૧૪:  રાજકોટના સામાજિક અને શૈક્ષણિક અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવીને, ગુજરાતની જનતાને કોરોનાથી બચાવવા માટે પુનઃ લોકડાઉન અનિવાર્ય હોવાની વાત પર ભાર મૂકયો હતો.

ડો. દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વિસ્ફોટના પરિણામે ઓકિસજન, વેન્ટિલેટર હોસ્પિટલમાં બેડ અને સારવારના સંદર્ભમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઊભી થઇ છે. આ સંજોગોમાં માત્ર ધંધા-રોજગારને ધ્યાનમાં રાખીને લોકડાઉન કરવામાં નહીં આવે તો હવે પછીના દિવસોમાં ગુજરાતમાં અંધાધૂંધીની પરિસ્થિતિ સર્જાવાની તમામ શકયતાઓ ઊભી થઈ રહી છે. કોરોનાની ચેન તોડવા માટે સરકારે મમત મૂકીને ફરી એક વખત ૧૫ દિવસનું લોકડાઉન જાહેર કરવું જોઈએ.

ગુજરાત સરકાર કોરોનાની આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રયત્ન કરી રહી હોવા છતાં આભ ફાટ્યું હોય ત્યા થિંગડું મારવા બરાબર કામ થઇ રહ્યું હોય એ રીતે કોરોના વિસ્ફોટ થયો છે. પરિસ્થિતિ અત્યંત ગંભીર છે ત્યારે ગુજરાતના વિકાસ દરનો વિચાર કરવાને બદલે સરકારે લોકડાઉન જાહેર કરીને ગરીબ માણસોને માટે અનાજ વગેરેની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. ભૂતકાળમાં આ પ્રકારે સ્વેચ્છિક સંસ્થાઓ અને સરકારે મળીને ગરીબ લોકોનો જીવન નિર્વાહ ચલાવ્યો છે. એ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ શકે તેમ છે. ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લોકડાઉન કરવામાં નહીં આવે તો મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ સર્જાય શકે તેમ  હોય ડો. દિનેશ ચોવટીયાએ પત્રમાં પુનઃ ભારપૂર્વક પંદર દિવસના લોકડાઉનની માંગ કરી હતી.

(3:01 pm IST)