રાજકોટ
News of Wednesday, 14th April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયેલા વધુ ૭ વ્યકિતએ દમ તોડ્યો

વિવેકાનંદનગર, યુનિવર્સિટી રોડ, આજીડેમ ચોકડી, રેલનગર, માર્કેટ યાર્ડ હુડકો કવાર્ટર, કૃષ્ણનગર અને ખોડિયારપરાના રહેવાસીના મૃત્યુથી સ્વજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૪: શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડાયેલા વધુ સાત  વ્યકિતએ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૧૪માં રહેતાં એસટીના નિવૃત કંડકટર આણંદરામ પરષોત્તમદાસ રામાનુજ (ઉ.વ.૭૫) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે.

બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાછળ ગુ. હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં પ્રિતેશભાઇ પ્રવિણભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. મૃતક પરિવારના એકના એક આધારસ્તંભ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ત્રીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે કિશાન ગોૈશાળા પાસે રહેતાં ધીરજલાલ નારણભાઇ ગજ્જર (ઉ.વ.૬૫) ઘરે રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતક કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

ચોથા બનાવમાં રેલનગર ઘનશ્યામ બંગલોઝમાં રહેતાં કલ્પનાબેન તિલકભાઇ ઝરીયા (ઉ.વ.૫૩)ને પેટની બિમારી હોઇ રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. પતિ સરકારી પ્રેસમાં નોકરી કરે છે.

પાંચમા બનાવમાં જુના માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટરમાં રહેતાં ધરમબા સજુભા જાડેજા (ઉ.વ.૪૭) સવારે ચારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીજનમાં જાણ કરી હતી.

છઠ્ઠા બનાવમાં જામનગર રોડ વ્હોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર-૬માં રહેતાં નિશાબેન સંજયભાઇ વ્યાસ (ઉ.વ.૪૨) સવારે પાંચેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

સાતમા બનાવમાં  ખોડિયારપરા-૩૫ કાનાભાઇના મફતીયાપરા પાસે રહેતાં મનસુખભાઇ જીવરાજભાઇ સોલંકી (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(11:47 am IST)