રાજકોટ
News of Wednesday, 14th April 2021

કોરોના પોઝેટિવ મહિલાનું ચાલુ ફોને મોત નિપજ્યું

ઓડિયો ક્લિપ વાયરલ થયો : મહિલાને કોરોના હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમનું મોત નીપજયું હતું

રાજકોટ,તા.૧૩ : જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને જોતા હવે સ્થિતિ ગંભીર બનતી જણાઈ રહી છે, આવા સમયમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે, ત્યારે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્યનો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપમાં જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી સુલતાનપુરના જયેશભાઈ દવે સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમાં એવી વાતચીત થાય છે કે, એક મહિલાને કોરોના હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં તેમનું મોત નીપજયું હતું, ત્યારે ધારાસભ્ય ભીખાભાઈ જોશી સામેના વ્યક્તિ જયેશભાઇને પોતાની વાત કહી રહ્યા હતા.

તેમણે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી બેદરકારી ઓ જોવા મળે છે, કોઈ દર્દીને પાણી સુદ્ધાં પણ પૂછવામાં નથી આવી રહ્યું, ઓક્સિજન અને વેન્ટિલેટર પણ ખામી જોવા મળી રહી છે. બીજી તરફ સરકાર પર આક્ષેપો પણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમને એવું લાગી રહ્યું છે કે, માણસોની સંખ્યા ઓછી કરવા માટે આ એક ષડયંત્ર રચાયું છે. તો અન્ય એક ઓડિયોમાં જે મહિલાનું મૃત્યુ થયું છે તેની ખબર અંતર પૂછવા સુલતાનપુરના જયેશભાઇ હવે મહિલાને ફોન કર્યો હતો અને ખબર અંતર પૂછતા હતા તે દરમિયાન જ મહિલાનું ચાલુ ટેલિફોનિક વાતચીત દરમ્યાન જ મોત નીપજ્યું હતું, અને તે ઓડિયો પણ સામે આવ્યો છે. આ બાજુ બીજી ઓડિયો ક્લિપમાં ધારાસભ્યએ પણ જણાવી રહ્યા છે કે, તેમના બેન પણ દાખલ છે તેમને પણ યોગ્ય સારવાર મળતી નથી, ધારાસભ્ય કક્ષાના વ્યક્તિની ભલામણ હોવા છતાં પણ યોગ્ય સારવાર આપવામાં આવતી નથી તેવું પણ ધારાસભ્ય ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

(9:54 pm IST)