રાજકોટ
News of Wednesday, 14th March 2018

૧૧ વર્ષની બાળાને 'જોખમી માતા'ની કેટેગરીમાં મુકી રિપોર્ટ શરૂ કરાયા

બધીર-અંધ વૃધ્ધોની હવસખોરીનો ભોગ બનેલી : ઝનાના હોસ્પિટલમાં ડિલીવરી નોર્મલ થશે કે સિઝેરીયન તેનો નિર્ણય તમામ રિપોર્ટ આવ્યા બાદ લેવાશેઃ ડો. કમલ ગોસ્વામી : બંને બળાત્કારી ડોસા જેલહવાલે

બાળા પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેનારા નાનજી જાવીયા (ઉ.૬૬) અને અરવિંદ લક્ષમણદાસ કુબાવત (ઉ.૫૨) બંનેને મહિલા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે થયા છે. આ બંનેને પોતાને સોંપી દેવા માટે પણ વિસ્તારના લોકોએ માંગણી કરી હતી.

રાજકોટ તા.૧૪: શહેરના ૬૬ વર્ષના વૃધ્ધ નાનજી કડીયા અને ૫૨ વર્ષના પ્રોૈઢ અરવિંદ બાવાજીએ ૧૧ વર્ષની બાળા પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધાના બનાવમાં ભોગ બનનાર બાળાને આઠ માસનો ગર્ભ હોઇ તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ હોસ્પિટલના વડા ડો. કમલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ કેસ તબિબો માટે મોટા પડકારરૂપ છે.   તબિબી તપાસ થતાં એ સ્પષ્ટ થયું છે કે ૮ માસનો ગર્ભ પેટમાં હોવાથી હવે ગર્ભપાત કોઇપણ સંજોગોમાં શકય નથી. નવમો માસ શરૂ થવાનો છે અને બાળાને છેલ્લે માસિક કયારે આવ્યું એ યાદ ન હોઇ ડિલીવરીની તારીખ જાણવામાં પણ મુશ્કેલી ઉભી થઇ છે. હાલ આ બાળાના કેસને 'જોખમી માતા'ની કેટેગરીમાં રાખીને તમામ રિપોર્ટ શરૂ કરી દેવાયા છે. એ પછી ડિલીવરી નોર્મલ થશે કે સિઝેરીયન એ નક્કી થઇ શકશે.ડો. ગોસ્વામીએ કહ્યું હતું કે આ કેસમાં ભોગ બનનાર બાળા વિશેષ કંઇ બોલતી ન હોઇ જેથી મનોચિકીત્સકની મદદ પણ લેવામાં આવી છે. બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી રિપોર્ટ તથા હાડકાનો વિકાસ છે કે નહિ? ગર્ભનો વિકાસ કેટલો છે? તે સહિતના અન્ય તમામ જરૂરી રિપોર્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉમરે પ્રસુતિ કરવી ખુબ જોખમી હોય છે. આ ઉમરમાં પેલ્વિક એરિયા વિકસીત હોતો નથી. આથી નોર્મલ ડિલીવરીની શકયતા ખુબ જ ઓછી છે. તો બીજી તરફ સિઝેરીયન કરાયા પછી પણ બાળા પર જોખમ રહેશે.

 

(4:55 pm IST)