રાજકોટ
News of Wednesday, 14th March 2018

સૌરાષ્ટ્ર ઝોન ફી કમિટિના અધ્યક્ષ બદલાયા તમામ સભ્યો યથાવતઃ જુની દરખાસ્તોની તપાસ

અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયધિશ આર.બી.કોઠારીએ કાર્યભાર સંભાળ્યો

રાજકોટ તા. ૧૪ : ગુજરાત રાજ્યમાં ફી નિર્ધારણ મામલે કાનૂની લડત બાદ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે નવી રચાયેલ ફી કમિટિ તેનો કાર્યભાર સંભાળી રહેલ છે.

સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે ખાનગી શાળાઓ માટે ગુજરાત રાજ્યના ચાર ઝોનમાં ફી નિર્ધારણ માટે નવી સમિતિ બનાવવામાં આવી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિ પુનઃ કાર્યરત થઇ છે. જેના અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયધીશ શ્રી આર.બી.કોઠારીના વડપણ હેઠળ સમિતિ હાલ ત્રિકોણબાગ ખાતે આવેલ 'ડાયર' તાલીમ ભવન ખાતે કાર્યરત છે.

રાજકોટ ઝોન ખાતે સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, મોરબી, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ૧૦ જિલ્લામાં ખાનગી શાળાઓની ફી નક્કી કરશે.

ખાનગી શાળાઓ દ્વારા ફી નિર્ધારણ માટે દરખાસ્ત હજુ તા. ૧૪ના મુદ્દત વધારી તા. ૨૧ માર્ચ સુધી કરવામાં આવતા દરખાસ્ત કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી તા. ૧૫ માર્ચે સંભવતઃ થશે.

સૌરાષ્ટ્ર ઝોન ફી કમિટિના અધ્યક્ષ તરીકે આર.બી.કોઠારી છે. જ્યારે અગાઉ સમિતિના તમામ સભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. જેમાં ડી.વી.મહેતા, હિતેશ શાહ, ડી.ડી.છનીયારા અને એમ.વી.નાગાણીનો સમાવેશ થાય છે.

(4:50 pm IST)