રાજકોટ
News of Wednesday, 14th March 2018

ખાદ્ય ચીજમાં ભેળસેળ કરવા બદલ રાજકોટના રવિરાજ ભેળ હાઉસના માલિક સુરેશભાઈ બળોખરીયાને સજા ફટકારતી અદાલત

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ તળે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલ ફરીયાદમાં રાજકોટ કોર્ટ દ્વારા સૌપ્રથમ સજા ફટકારી ઐતિહાસિક ચુકાદો આપતી અદાલત : ૬ માસની સજા અને ૧૦ હજારનો દંડ

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફીસર અમિત એન. પંચાલ દ્વારા રાજકોટના લાખાજીરાજ રોડ ઉપર આવેલ રવિરાજ ભેળ હાઉમસાં ખાદ્યચીજોના ચેકીંગ દરમિયાન ખાદ્ય પદાર્થ શંકાસ્પદ લાગતા ભેળની અંદર વપરાતી મીઠી ચટણીનો નમૂનો લેવામાં આવેલ હતો. જે પૃથકક્કરણમાં નિષ્ફળ નિવડતા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ની અલગ અલગ કલમો તળે લેવાયેલ નમૂનો ખાદ્ય પદાર્થ માટે એનસેફ હોય તે મતલબની ફરીયાદ કરેલ હતી અને જે કોર્ટ દ્વારા સાબિત માની અદાલતે રવિરાજ ભેળ હાઉસના માલિક સુરેશભાઈ બળોખરીયાને છ માસની સજા તથા રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતી દુકાનોમાં અલગ અલગ સમયે ચેકીંગ કરવામાં આવતુ હોય છે અને જેના ભાગરૂપે આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફીસર અમિત એન. પંચાલ દ્વારા લાખાજીરાજ રોડ ઉપર આવેલ રવિરાજ ભેળ હાઉસમાં ચેકીંગ દરમિયાન મીઠી ચટણીનો નમૂનો અસુરક્ષિત લાગતા તેનો પંચો રૂબરૂ તેમજ રવિરાજ ભેળહાઉસના માલિકના પુત્ર સની સુરેશભાઈ બળોખરીયાની હાજરીમાં નમૂનો લેવામાં આવેલ હતો અને સદરહુ નમૂનો બરોડા ખાતે લેબોરેટરીમાં ફુડ એનાલીસીસ્ટ ઓફીસમાં પૃથ્થકકરણ અર્થે મોકલવામાં આવેલ હતો અને સરદહુ પૃથ્થકરણની અંદર મીઠી ચટણીની અંદર સીન્થેટીક ફૂડ કલર મળી આવેલ હતો અને જે કલર કાયદાથી પ્રતિબંધિત હોય તેમ છતા રવિરાજ ભેળહાઉસના માલિકે મીઠી ચટણીની અંદર આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી ભેળસેલ કરી વેચાણ કરતા હોય જેથી ફૂડ સેફટી ઓફીસર એ. એન. પંચાલ દ્વારા જરૂરી કાર્યવાહી કરી રાજકોટની અદાલતમાં રવિરાજ ભેળ હાઉસના માલિક સુરેશભાઈ રન્ધોરભાઈ બળોખરીયા તથા ફૂડ બિઝનેસ ઓપરેટર સની સુરેશભાઈ બળોખરીયા સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

ચાલુ કેસ દરમિયાન ફૂડ બિઝનેસ ઓપરેટર સગીર જણાતા કોર્ટ દ્વારા તેઓનો કેસ અલગ કરી બાળ અદાલત તકફ મોકલેલ હતો અને માલિક સામેનો કેસ આગળ ચલાવવાની કાર્યવાહી કરેલ હતી અને જે કેસ ચાલી જતા કોર્ટ દ્વારા તારણ કાઢેલ કે રવિરાજ ભેળ હાઉસના માલિક સુરેશભાઈ બળોખરીયાએ પોતાના ખાદ્યચીજના વેપાર દરમિયાન ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે જાણી જોઈ ચેડા કરેલ છે અને મીઠી ચટણીની અંદર કાયદાથી પ્રતિબંધિત કલર વાપરેલ છે અને જેના હિસાબે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ - ૨૦૦૬ની અલગ અલગ કલમોનો ભંગ કરેલ હોય જેથી તેને તકસીરવાન ઠરાવી છ માસની સજા તથા રૂ.૧૦,૦૦૦નો દંડ કરેલ છે.

આ કામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી જીજ્ઞેશ એન. શાહ રોકાયેલા હતા.

(4:41 pm IST)