રાજકોટ
News of Wednesday, 14th March 2018

જંગલેશ્વરમાંથી ગાયબ થયેલા ૩ વર્ષના શાહબાઝને પોલીસે ચારેક કલાકની દોડધામને અંતે શોધી કાઢ્યો

પલંગ પર ચઢી દરવાજાની કડી ખોલી નીકળી ગયો'તોઃ પોતાનુંનામ-સરનામુ પણ બોલી શકતો નહોતો

પી.આઇ. વી. કે. ગઢવી સહિતની ટીમે ફોટા બતાવી શોધખોળ શરૂ કરી ત્યારે એક છોકરાએ દરગાહ દરા એક બાળક મળ્યાનું એલાન થયાની વાત કરતાં પત્તો મળ્યો

રાજકોટઃ જંગલેશ્વરના આર.એમ.સી. કવાર્ટર નં. ૧૭/૧૯૪માં રહેતાં હાફીઝ જબ્બરભાઇ મન્સુરીનો પુત્ર શાહબાઝ (ઉ.૩) સવારે નવેક વાગ્યે પલંગ પર ચઢી દરવાજાની કડી ખોલી બહાર નીકળી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં આસપાસ દોડધામ શરૂ કરી હતી પણ પત્તો મળ્યો નહોતો. બાદમાં ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં પી.આઇ. વી. કે. ગઢવી અને ડી. સ્ટાફની ટીમ તેમજ ઇન્વે ટીમ અને હુડકો ચોકીના સ્ટાફે મોબાઇલમાં ફોટા સાથે ઠેર-ઠેર તપાસ શરૂ કરી હતી. જુદા-જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં પણ ફોટા પોસ્ટ કરીને બાળક કયાંય જોવા મળે તો જાણ કરવા જણાવાયું હતું. પી.આઇ. વી. કે. ગઢવી, સુભાષભાઇ અને ડી. સ્ટાફની ટીમ જંગલેશ્વર હસનશા પીરની દરગાહ પાસે પહોંચતા અને ત્યાં રમી રહેલા એક છોકરાને ગૂમ થનાર શાહબાઝનો ફોટો બતાવતાં એ છોકરો કહેલ કે થોડીવાર પહેલા જ એક બાળક મળ્યો છે એવું એલાન દરગાહ તરફથી થયાની વાત કરતાં પોલીસ કાફલો દરગાહે પહોંચતાં  બાળક દરગાહ સામે જ રહેતાં એક ભાઇના ઘરે હેમખેમ હોવાની ખબર પડી હતી. એ ભાઇએ બાળકના કોઇ વાલી આવે તો પોતાની ઘરે મોકલી દેવા દરગાહમાં જાણ કરી હતી. ચારેક કલાકની દોડધામને અંતે શાહબાઝ હેમખેમ મળી જતાં સોૈએ રાહત અનુભવી હતી. ઘરેથી અગાઉ પણ બે વખત આ ટેણીયો નીકળી ગયો હતો. જો કે ત્યારે નજીકમાંથી જ મળી ગયો હતો. તે પોતાનું નામ સરનામુ પણ બોલી શકતો ન હોઇ જેથી પરિવારજનોની અને પોલીસની મુંજવણ વધી ગઇ હતી. જો કે અંતે પોલીસની મહેનત લેખે લાગી હતી. તસ્વીરમાં બાળક જ્યાંથી મળ્યો એ સ્થળ, ભેગા થયેલા લોકો અને બીજી તસ્વીરમાં પી.આઇ. ગઢવી તથા ટીમ તેમજ બાળક સાથે તેના પિતા નજરે પડે છે.

(4:33 pm IST)