રાજકોટ
News of Friday, 14th February 2020

તિરંગા યાત્રામાં લોકો સ્‍વયંભૂ ઉમટી પડશે તેવો આયોજકોનો દાવો પોકળ ઠર્યો : કોંગ્રેસ

ભીડ દેખાડવા વિદ્યાર્થીઓને લવાયા : રસ્‍તાઓ રોકી દેવાતા લોકો ત્રાહીમામઃ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પૂર્વ પ્રમુખ રાજપૂતનું નિવેદન

રાજકોટ તા. ૧૪ : ગઇકાલે ગુરૂવારે સવારે તિરંગા યાત્રા CAAના સમર્થનના નામે રાજકોટમાં નીકળી હતી. કોઈ પક્ષની આગેવાનીમાં આ યાત્રા નથી નીકળી  હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો એવી તિરંગા યાત્રાનું મુખ્‍યમંત્રીના હસ્‍તે ફલેગ ઓફ થયું હતું. છતાં આ યાત્રા રાજકોટ માટે ફલોપ શો સાબિત થઈ હોવાનું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્‍યું હતું.

ઉક્‍ત બંને કોંગી આગેવાનોએ આ બાબતે આક્ષેપો કરતા એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, તિરંગાના નામે ભાજપે પડદા પાછળ રહીને એકઠી કરેલી ભીડમાં સ્‍વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ વધુ દેખાયા હતા. ગામે ગામથી લોકો ઉમટી પડશે અને સ્‍થાનિકો અડધો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સ્‍વયંભૂ ઉમટી પડશે એવા વાહિયાત દાવાઓ પોકળ સાબિત થયા હતા. રસ્‍તાઓ બંધ કરી દેવાતા ઉલ્‍ટાનું વેપારીઓ અને દુકાનદારોને ધંધા-રોજગારના સ્‍થળે પહોંચવામાં ભારે અગવડતા વેઠવી પડી હતી. બજારમાં પ્રવર્તી રહેલી મંદીને લઈને સ્‍થાનીય વેપારી અને ધંધાર્થીઓમાં આમ પણ નિરાશા વ્‍યાપેલી છે ત્‍યારે આજની તિરંગા યાત્રાને કારણે રસ્‍તાઓ બ્‍લોક કરી દેવાથી તેઓમાં રોષ છવાયેલો જોવા મળ્‍યો હોવાનું અશોક ડાંગર તથા મહેશ રાજપૂતે જણાવ્‍યું હતું.

અંતમાં શ્રી ડાંગર તથા શ્રી રાજપૂતે એવો આક્ષેપ કર્યો હતો કે, રાજકોટમાં યોજાયેલી કહેવાતી તિરંગા યાત્રામાં ખાનગી શાળા સંચાલકોને દબાણમાં લાવી કે શરમમાં મૂકીને વિદ્યાર્થીઓને લાવવામાં આવ્‍યા હોવાનો ગણગણાટ વાલીઓ કરી રહ્યા છે. વિવિધ સંસ્‍થાઓ, જ્ઞાતિ મંડળો, એસોશિએશનોના હોદ્દેદારોની મિટિંગો મેયર બંગલામાં પાછલા ઘણા દિવસોથી યોજવામાં આવી રહી હતી. જેના પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્‍યું હતું. બીજેપી પ્રેરિત યાત્રાને રાષ્ટ્રીય એકતા સમિતિ જેવું નામ આપીને રેલી બિનરાજકીય હોવાનો ભ્રામક પ્રચાર કરવામાં આવ્‍યો હતો. જો કે જનતા ભાજપની ભાગલા કરો અને રાજ કરોની નીતિને સુપેરે ઓળખી ગઈ હોવાથી સ્‍પોન્‍સર્ડ જનતા-વિદ્યાર્થીઓ સિવાય કોઈ આ યાત્રામાં જોડાયા ન હતા અને બહુ ‘ગવાયેલી' યાત્રા સ્‍થાનિકોમાં ‘વગોવાઇ' ગઈ હોવાનો દાવો પણ બન્ને નેતાઓએ કર્યો હતો.

(3:50 pm IST)