રાજકોટ
News of Friday, 14th February 2020

વડાપ્રધાન ગેસના બાટલાનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચે... સામાન્ય - મધ્યમ વર્ગને મોટો ઝટકો : ભાજપના નાટકબાજો કેમ ચૂપ છે?!

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ઉકળી ઉઠયા : કલેકટરને વિસ્તૃત આવેદન : કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર : દેખાવો : નરેન્દ્રભાઇ ભારતીય ઓઇલ કંપનીઓની લગામ ખેંચો

આજે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા અને અન્ય મહિલા આગેવાનોએ ગેસના બાટલાના તોતીંગ ભાવ વધારા સામે કલેકટર કચેરીએ દેખાવો - સૂત્રોચ્ચાર યોજી કલેકટરને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા અને અન્ય મહિલા આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી રાંધણગેસના તોતીંગ ભાવ વધારા બાબતે રજૂઆતો કરી હતી.

પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ૨૦૧૪થી જ મોંઘવારીમાં માર ખાતા આવ્યા છીએ. ત્યારે સામાન્ય મધ્યમ વર્ગ લોકોને ફરીવાર મોટો ઝટકો આપવામાં આવ્યો છે. ઇન્ડીયન રાંધણગેસના સબસીડીવાળા રાંધણગેસના બાટલા દીઠ રૂ. ૧૫૦ જેટલો તોતીંગ ભાવવધારો ઝીંકાયો છે તા. ૧૩-૨-૨૦૨૦ના રોજ કેન્દ્રની ભાજપ સરકાર તરફથી બજેટની ભેટરૂપી રાંધણગેસ બાટલાના જે પહેલા રૂ. ૭૧૪માં આવતો તે હવે રૂ. ૮૫૮માં પડશે. ૨૦૧૪ પછી સૌથી વધુ તોતીંગ ભાવવધારો, સળંગ છઠ્ઠી વખત ઝીંકાયો છે અને છેલ્લા છ મહિનામાં રાંધણગેસના ૧૪.૨ કિ.ગ્રા. બાટલા દીઠ રૂ. ૨૮૪ ખાસ્સો ભાવવધારો કરીને પ્રજાના ખીસ્સા ખંખેરી લેવામાં આવ્યા છે.

મધ્યમ વર્ગીય લોકો ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિમાં વારંવાર ઘટાડાને બેરોજગાર અને કંગાળ બની ગયા છે ત્યારે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં વારંવાર ભાવવધારાને લીધે લોકોની હાલત ગંભીર પરિસ્થિતિમાં મુકાઇ ગયેલ છે.

દિલ્હી વિધાનસભા ચુંટણી પરિણામ જાહેર થયા બાદ લોકો પાસેથી આડકતરી રીતે મનફાવે તેમ ભાવવધારો કરીને પરાજયનો બદલો લેવાના પ્રયાસો હાથ ધર્યા હોય તેવું જણાઇ રહ્યું છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે મોંઘવારી અને ભાવવધારા બાબતે ભાજપના નૌટંકીબાજ ખેલાડીઓ રોડ - રસ્તાઓ વચ્ચે નાટકો કરીને વિરોધ પ્રદર્શન દર્શાવનાર કેમ સતામાં આવ્યા પછી મૌન થઇને હવે લોકોની પીડાથી વંચિત સત્તાની ખુરશી પર ભાન ભુલીને પ્રજાલક્ષી નિર્ણયોથી જાણી જોઇને અજ્ઞાન થઇને બેઠા છે?

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને રાજકોટ શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરની ખાસ ઉપસ્થિતિમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાની આગેવાનીમાં રાજકોટ શહેર કલેકટર કચેરી ખાતે કલેકટરના માધ્યમથી કેન્દ્રીય સત્તાધીશ ભારતદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિનંતી સાથે આવેદનપત્ર પાઠવીએ છીએ અને સાથે જ રાંધણગેસના બાટલા દીઠ તોતીંગ ભાવ વધારા બાબતે ઉગ્ર આક્રોશ સાથે વિરોધ દર્શાવીને ભાજપ સરકાર સમક્ષ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો લાવનાર ભારતીય ઓઇલ કંપનીઓની લગામ ખેંચીને રાંધણ ગેસના બાટલામાં તાત્કાલિક ધોરણે ભાવવધારો પાછો ખેંચવા માંગણી છે.

(3:38 pm IST)