રાજકોટ
News of Friday, 14th February 2020

રાજકોટને સ્વચ્છતામાં નંબર વન બનાવવા સેનીટેશનના વિવિધ પ્રોજેકટની બજેટમાં જોગવાઇ

મ્યુ. કોર્પોરેશનના બજેટને આવકારતા સમિતિ ચેરમેન અશ્વિન ભોરણિયા

રાજકોટ તા. ૧૪ : સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાંથી ઉત્પન્ન થતાં ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની સુદ્રઢ વ્યવસ્થા જેવી કે, મીની ટીપર મારફત ૧૦૦% ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, બે મોર્ડનાઇઝડ રીફયુઝડ ટ્રાન્સફર સ્ટેશન, બે મટીરીયલ્સ રીકવરી ફેસીલિટી સેન્ટર(MRF), ૫-TPD ના ત્રણ કમ્પોસ્ટ/બાયોમીથેનેશન પ્લાન્ટ તથા સેનેટરી લેન્ડફીલ સાઇટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા યોજવામાં આવેલા 'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦'માં બીજા તબક્કાના અંતે જાહેર કરેલ પરિણામોમાં રાજકોટ શહેરને સમગ્ર દેશમાં દ્વિતીય સ્થાન મળેલ છે. તેમ સેનીટેશન સમિતિ ચેરમેન અશ્વિન ભોરણીયાએ જણાવ્યું હતું.

આ અંગે અશ્વિનભાઇએ જણાવ્યું હતું કે, આગામી વર્ષે રાજકોટને નંબર વન શહેર બનાવવા તથા મોખરાનું સ્થાન જાળવી રાખવા માટે તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી વધુ સઘન બનાવવાના હેતુથી આગામી ૨૦૨૦-૨૧ ના બજેટમાં આ મુજબના મહત્વના પ્રોજેકટસની જોગવાઇ કરવામાં આવેલ.

 રૂ.૯૦૦ લાખ ના ખર્ચે વધારાના ૧૫૦ નંગ મીનીટીપર વાહનોની ખરીદી, રૂ.૮૫૦ લાખ ના ખર્ચે કોઠારીયા ખાતે નવુ મોર્ડનાઇઝડ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનું સીવીલ કામ, રૂ.૮૦૨ લાખ ના ખર્ચે કોઠારીયા ખાતે નવુ મોર્ડનાઇઝડ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનમાં વાહનો તથા મશીનરી ખરીદી તથા ઇન્સ્ટોલેશનનું મીકેનીકલ કામ, રૂ.૨૭૦ લાખ ના ખર્ચે શહેરમાં જુદા જુદા ૨(બે) સ્થળોએ ડીસેન્ટ્રલાઇઝડ વેટ વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવાનું કામ, રૂ.૨૭૦ લાખ ના ખર્ચે નાકરાવાડી લેન્ડફીલ સાઇટ ખાતે નવી ૧૦૦ એકર જમીનમાં કમ્પાઉન્ડ વોલ તથા ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ, રૂ.૧૦૦ લાખ ના ખર્ચે ડેડ અનીમલ ઇન્સીનરેશન બનાવવાનું કામ કરાયુ છે.

સ્વચ્છ ભારત મિશનને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર સ્વચ્છતામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે ઉકત મહત્વના પ્રોજેકટસ આગામી બજેટ વર્ષ-૨૦૨૦-૨૦૨૧માં મંજુર કરવા માટે સેનીટેશન ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા દ્વારા સ્થાયી સમિતીના ચેરેમેન ઉદયભાઇ કાનગડ તથા સ્થાયી સમિતિના સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવે છે.

(3:34 pm IST)