રાજકોટ
News of Friday, 14th February 2020

દિન પતજડ કે યા બહારે હો, મજધાર મેં હો યા કિનારે હો...ઓ મેરે સનમ ઓ મેરે સનમ વાદા કર લે હાથો મેં હાથ હમારે હો...

વેલેન્ટાઇન ડેનો વાયરોઃ ટીનેજર્સ યુવાઓ ઠેર-ઠેર ઉમટી પડ્યાઃ એકમેકને ગિફટ્સ-કાર્ડસ અને વચનોની આપ લે

.પ્રેમના પર્વ વેલેન્ટાઇન ડેની આજે ઠેકઠેકાણે ઉજવણી થઇ છે. રાજકોટ શહેર પણ ઉજવણીમાં પાછળ રહ્યું નથી. ખાસ કરીને ટીનેજર્સ અને યુવાઓએ બાગ બગીચાઓ, મોલ, હરવા-ફરવાના સ્થળોને ઉભરાવી દીધા હતાં. કાર્ડ-ગિફટના શો રૂમ દૂકાનોમાં તડાકો પડી ગયો હતો. ગુલાબના ભાવ આજે બમણા કે ત્રણ ગણા વસુલવામાં આવ્યા હતાં. શહેરમાં ઠેકઠેકાણે આજે વેલેન્ટાઇન ડેનો વાયરો પ્રસરી ગયો હતો. બગીચાઓમાં સવારથી જ કપલ્સની એન્ટ્રી શરૂ થઇ ગઇ હતી. એકમેકને કાર્ડ-ગિફટની આપ લે કરવાની સાથે સાથે સાથે રહેવાના, મિત્રતા, પ્રેમ નિભાવવાના વચનોને આપ લે પણ થઇ હતી. આજના દિવસને મનભરીને માણવાની આગોતરી તૈયારીઓ યુવા હૈયાઓએ કરી રાખી હશે. એક સમયે પ્રેમના આ પર્વનો રાજકોટ શહેરમાં વિરોધ થતો હતો. પરંતુ હવે શહેરની હવા બદલાઇ ગઇ છે અને લોકો પણ બદલાઇ ગયા છે.   શહેરના અનેક બગીચાઓમાં આજે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા યુવાઓ પહોંચી ગયા હતાં. પોતાના મિત્રો-પ્રિયજનો સાથે શાંતિથી બેસીને આનંદની પળો પસાર કરી હતી. કેટલાક વાલીઓને કહીને બાગ બગીચાઓમાં આવ્યા હશે તો કેટલાક ચોરી-છુપીથી અહિ પહોંચ્યા હશે. આ બધાએ જાણે એક બીજા માટે પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું હશે કે-તું મેરી જિંદગી હૈ, તુ હી પ્યાર તુ હી ચાહત તુ હી આશીકી હૈ...હમ તુમ્હે ચાહતે હૈ ઐસે, મરને વાલા કોઇ જિંદગી ચાહતો હો જૈસે...અઢી અક્ષરના પ્રેમ માટે આમ તો કોઇ એક ખાસ દિવસની જરૂર હોતી નથી. પરંતુ પશ્ચિમના દેશોમાંથી આવેલો વેલેન્ટાઇન ડેનો વાયરો હવે કોઇપણ જાતની રોકટોક વગર દર વર્ષે ફુંકાતો રહે છે, વધતો જ રહે છે, અને એ કારણે જ વેલેન્ટાઇન ડે ઉજવાતો રહે છે. નિષ્ઠા, પરષ્પર વફાદારી અને નિઃસ્વાર્થ ભાવનાથી નિભાવાતો પ્રેમ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આવા પ્રેમીઓ માટે તો રોજેરોજ વેલેન્ટાઇન ડે હોય છે. તસ્વીરો બાગ બગીચાની છે, જેમાં આજના ખાસ દિવસે થોડી પળો સાથે વિતાવવા આવેલા યુવા હૈયાઓ, ટીનેજર્સ જોઇ શકાય છે. આવા કપલ્સ પાસેથી કમાઇ લેવાની તક આજે ભીખારીઓએ પણ ઝડપી લીધી હતી અને બગીચામાં ઘૂમરા મારી થોડા સમયમાં જ ઘણો વકરો એકઠો કરી લીધો હતો. આમ વેલેન્ટાઇ ડે તેને પણ ફળ્યો હતો.

(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:08 pm IST)