રાજકોટ
News of Friday, 14th February 2020

રણુજા મંદિર પાસેના વચ્છરાજનગરની બાળાનું અપહરણઃ આદિત્ય પર શંકા

૧૦મીએ શાળામાંથી બૂક લેવાનું કહીને નીકળ્યા બાદ લાપત્તા

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે રહેતાં મુળ યુપીના દંપતિની ૧૪ વર્ષની દિકરી ગાયબ થઇ ગઇ છે. તપાસ થતાં તેણીને એક છોકરો ભગાડી ગયાની શંકા ઉપજતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

આજીડેમ પોલીસે આ બારામાં મુળ યુપીના ગાજીપુરના અને હાલ રણુજા મંદિર પાસે વચ્છરાજનગર-૧માં રહેતાં પુષ્પાબેન સતેન્દ્રભાઇ પ્રજાપતિ (ઉ.૩૮)ની ફરિયાદ પરથી વેલનાથપરામાં રહેતાં આદિત્ય નામના શખ્સને શકમંદ ગણાવી અપહરણનો ગુનો નોંધ્યો છે. પુષ્પાબેનના કહેવા મુજબ તેને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. જે પૈકીની ૧૪ વર્ષની દિકરી ૧૦/૨ના રોજ સવારે નિત્યક્રમ મુજબ સ્કૂલે ગઇ હતી. માતા પોતે જ તેને મુકી આવ્યા હતાં. એ પછી બપોરે સવા બારે તેને તેડવા માટે ગયા હતાં. પરંતુ ત્યાંથી જાણવા મળ્યું હતું કે દિકરી બૂક લેવા જવાનું બહાનુ કરી સ્કૂલમાંથી નીકળી ગઇ હતી. સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં તે મળી નહોતી. દિકરી પાસે મોબાઇલ ફોન હોઇ તેની તપાસ કરતાં તે કોઇ આદિત્ય નામના છોકરા સાથે વાતો કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તેણી ગૂમ થઇ ત્યારે સ્કૂલનો સફેદ-કાળા-ગુલાબી કલરની લાઇનીંગવાળો ડ્રેસ પહેર્યો હતો અને આછી કેસરી ચોરણી તથા ચુંદડી હતાં. આદિત્ય તેને ભગાડી ગયાની શંકા દર્શાવાતા આજીડેમના પીઆઇ વી. જે. ચાવડા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

(1:11 pm IST)