રાજકોટ
News of Friday, 14th February 2020

બહુ ફાકી ખાતો'તો એટલે બા ખીજાણા...સંજય કાચા ૮ દિવસથી લાપતાઃ અપહરણનો ગુનો

ભવનાથ પાર્કમાં રહેતો ૧૭ વર્ષનો સંજય કાચા ૬ઠ્ઠીએ નાડોદાનગરના કારખાનેથી છુટ્યા બાદ લાપતાઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ હરિ ધવા માર્ગ પટેલ પાનવાળી શેરીમાં ભવનાથ પાર્ક-૨માં અશોકભાઇ પટેલના મકાનમાં ભાડેથી રહેતાં હરેશભાઇ પ્રાણલાલ કાચા (કડીયા) (ઉ.વ.૪૫)નો ૧૭ વર્ષ ૧૧ માસની વય ધરાવતો પુત્ર સંજય તા. ૬/૨ના સાંજે સાડા આઠેક વાગ્યે નાડોદાનગર બેઠા પુલ પર આવેલા કારખાનેથી છુટ્યા બાદ ગુમ થતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી છે. સગીર ગુમ થવાના કિસ્સામાં પોલીસે અજાણી વ્યકિત સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંજય બે બહેનમાં વચેટ છે અને કારખાનામાં કામ કરે છે. તે છઠ્ઠી તારીખે સાંજે કારખાનેથી છુટી બીજા કર્મચારીના બાઇકમાં બેસી પુલના છેડા સુધી આવ્યો હતો અને ત્યાં ઉતરી ગયો હતો. દરરોજ તે પગપાળા કારખાને જતો હતો. મોડી રાત સુધી તે ઘરે ન આવતાં તપાસ કરવામાં આવતાં કારખાનેથી સાડા આઠે જ નીકળી ગયાની ખબર પડી હતી. ઠેર ઠેર શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન મળતાં ભકિતનગર પોલીસમાં જાણ કરાઇ હતી.

સંજય કેટલાક દિવસોથી બહુ ફાકી ખાતો હોઇ તેને તેના બા સોનલબેને ઠપકો આપ્યો હતો. આ કારણે માઠુ લાગી જતાં તે જાતે જ ગુમ થયાની શકયતા છે. તસ્વીરમાં દેખાતો સંજય કોઇને જોવા મળે તો ભકિતનગર પોલીસને ફોન ૦૨૮૧ ૨૩૯૧૦૫૮ અથવા મો. ૮૦૦૦૬ ૦૧૦૨૦, ૯૨૬૫૫ ૩૨૪૫૯ ઉપર જાણ કરવી. પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમ તપાસ કરે છે.

(1:10 pm IST)