રાજકોટ
News of Friday, 14th February 2020

વિશ્વમાં કયાંય ન બને તેવું રાજકોટમાં બને !

પ્રજાને કયારે મળશે બસપોર્ટ ? લોકાર્પણના ૧૮ દિ' પછી પણ કામ ચાલુ

લોકાર્પણના અર્થની ભાજપ સરકારને તો ખબર નથી પડતી પરંતુ મુખ્યમંત્રીને પણ સમજણ નથી ? પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતનો અણિયારો સવાલ

રાજકોટ તા. ૧૩ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂતની યાદી જણાવે છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ અને એમ.વી.ઓમ્ની શાયોના બી.આઇ.પી.એલ. (રાજકોટ) પ્રા.લી. દ્વારા રાજકોટ ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના ધોરણે નિર્માણ પામેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ ગત તા. ૨૫ જાન્યુઆરીને શનિવારના રોજ બપોરે ૩ કલાકે શ્રી વિજયભાઇ રૂપાણી (મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય)ના હસ્તે કરવામાં આવેલ હતું.

છતાં આજદિન સુધી આ બસપોર્ટ ચાલુ નથી થયું ત્યારે ભાજપ સરકાર દ્વારા પોતાની પ્રસિદ્ઘી ભૂખને સંતોષવા માટે, આ લોકાર્પણ કરાયું હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ દેખાય છે.

લોકાર્પણ એટલે શું અને ભાજપ સરકાર આનું શું અર્થઘટન કરે છે તે બાબતે શ્રી રાજપૂત જણાવે છે કે જયારે પ્રજાના હિત-સુવિધા-સુખાકારી માટે જે બસપોર્ટનું કામ કરવામાં આવેલ છે તેના તમામ કામો ૧૦૦% પૂર્ણ થઇ જાય અને બસની સુવિધા લોકોને ઉપલબ્ધ થાય અને જયારે મુખ્યમંત્રી, બસને લીલીઝંડી આપે ત્યારે તેને ખરા અર્થમાં બસપોર્ટનું લોકાર્પણ થયું ગણાય.

પરંતુ જયારે ગુજરાતની ભાજપ સરકાર હેલ્મેટ કાયદો નાખી, કાયદાને મરજીયાત કરી, શહેરી વિસ્તારોમાં હેલ્મેટ કાયદાની છૂટ આપી અને કોર્ટમાં કાયદો ચાલુ છે તેવા સોગંદનામાં રજુ કરતા હોય ત્યારે ભાજપ સરકારે ગુજરાતની જનતાને અંધારામાં રાખી આ નિર્ણય ફેરવી નાખી અને જનતાને ચિતામાં મૂકી દીધી છે ત્યારે આ બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકારને લોકોને પડતી મુશ્કેલીઓ, અગવડતાઓ અને પારાવાર  વેઠવી પડતી હાડમારીઓ અંગે કોઈ જ ચિંતા કરી નથી અને કાઈપણ વિચાર્યા વગર જ થુકેલું ચાટવું પડે તેવા નિર્ણયો લેવા પડે છે અને લોકોની સમસ્યાઓ અંગે કોઈ જ સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવતી નથી. ં

વધુમાં શ્રી રાજપૂતે જણાવ્યું છે કે, આ જોતા કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર અને ગુજરાત રાજય સરકાર દ્વારા આવા તખલધી નિર્ણયો લેવામાં આવતા હોય ત્યારે પ્રસિદ્ઘી ભૂખ્યા આ ભાજપના શાસકો એ પોતાની માનસિકતા પ્રજા સમક્ષ છતી કરી છે, જયારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એવું કહે છે કે હું ૨૦-૨૦ રમવા બેઠો  છું અને અડધી પીચે રમું છું ત્યારે અમારો સીધો સવાલ છે કે શું તમો તમારી ખુરશી  સલામત નથી એટલે લોકાર્પણ કરવા તલપાપડ થયા છો? શું રાજકોટની જનતાને લોકાર્પણના નામે હજુય છેતરવાના બાકી છે? શું તમારે હજુ આવા કેટલા અધૂરા કામોના લોકાર્પણો કરવા છે? જયારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટના હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ જમીન સંપાદન કરવામાં આવેલ ન હતી અને આજદિન સુધી ૧૦૦% જમીન સંપાદન કામગીરી પણ કરવામાં આવેલ નથી ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રસ્તે આપ ચાલી રહ્યા છો, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ મંજુર થયેલા તમામ કામો તાકીદે શરૂ કરાવવા અંગે કોઈ જ પગલા લીધા નથી આપે માત્ર ને માત્ર પબ્લીસીટી મેળવવા  ખાતમુહર્ત અને અધૂરા કામોના લોકાર્પણ થઇ રહ્યા છે. તેવા આક્ષેપો કરાયા છે.

શ્રી રાજપૂત જણાવે છે કે જયારે રૂલીંગ પાર્ટી પોતાના પારદર્શી, પ્રગતિશીલ, નિર્ણાયક, સંવેદનશીલ સરકાર જેવા સુત્રો જાહેર કરે છે ત્યારે તે સુત્રોને વરીને સરકારે કામ કરવું જોઈએ નહી કે માત્ર પબ્લીસીટી સ્ટંટ કરવો જોઈએ તેમજ આ બસપોર્ટના લોકાર્પણ થયાને આજે ૧૮ દિવસ વીતી ગયા હોય ત્યારે હાલના તબક્કે કામ અધૂરું હોય અને ઘણા કામો બાકી છે ત્યારે આ તમામ કામો પૂર્ણ કરાયા બાદ જ ખરા અર્થમાં લોકાર્પણ થવું જોઈએ તેવી માંગ મહેશ રાજપૂતે ઉઠાવી છે.

(4:14 pm IST)