રાજકોટ
News of Wednesday, 13th January 2021

ગોંડલ સંપ્રદાયના ગુરણી મૈયા, શાસન ચંદ્રીકા

પૂ.હીરાબાઇ મ.સ.નો કાલે ૮૯ માં વર્ષેમાં પ્રવેશ

જન્મ દિવસ તથા દીક્ષ જયંતિ અવસરે ભાવિકો દ્વારા જીવદયા, માનવતાલક્ષી સદ્કાર્યોઃ ગોંડલના પાંચેય સંઘોના પરિવારો,સંઘ શેષ તથા કર્મચારીઓને જીવન ઉપયોગી કીટ વિતરણ

રાજકોટ :.. ગોંડલ સંપ્રદાયના શાસન ચંદ્રીકા ગુરણીમૈયા પૂ. હીરાબાઇ મ.સ.એ મકર સંક્રાંતિના શુભ દિવસે ૮૮ વર્ષે પૂર્ણ કરી ૮૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. પોષ વદ પાંચમના પૂ. ગુરૂણી મૈયા હીરાબાઇ મ.સ.ની ૭૧ મી દીક્ષા જયંતિ પણ આવી રહી હોય ભાવિકોમાં ઉત્સાહ બેવડાયો છે. રાજકોટની પાવન અને પુણ્ય ભૂમિ ઉપર સદાચાર સંપન્ના રત્નકુક્ષિણી માતુશ્રી ગીરજાબેન અને ધર્મ પરાયણ પિતા જમનાદાસભાઇ દામાણી પરીવારના ખોરડે તા. ૧૪-૧-૩૩ ના એક સરળ આત્માએ જન્મ ધારણ કર્યો બાળકીનું નામ હીરાલક્ષ્મી પાડવામાં આવ્યું.

કુમારી હીરા લક્ષ્મીબેન પૂ. ઝવેરબાઇ મ.સ.ના દર્શન કરવા ગયા. હીરાને જેમ ઝવેરી પારેખ તેમ પૂ. ઝવેરબાઇ મ.સ. એ દર્શને આવેલ હીરાને પારખી લીધો કવિયત્રી ઝવેરબાઇ મ.સ. પાસે તા. ર૮-૧-પ૧ પોષ વદ પાંચમના શુભ દિવસે રાજકોટની ધન્ય ધરા ઉપર પાલીતાણાના  ઉતારામાં પરમ ભાગ્યશાળી રાજકોટ સંઘમાં તેઓના ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયેલ. સ્વયં પૂ. ઝવેરબાઇ મ.સ. એ પોતાના શ્રી મુખેથી પાઠ તેઓને ભણાવેલ હીરલક્ષ્મીબેનમાંથી નૂતન દીક્ષિત પૂ. હીરાભાઇ મ.સ.નામ ઉદ્ઘોષિત કરવામાં આવ્યું. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ. હીરાબાઇ મ.સ. ૭૦ વર્ષનો સુદીર્ધ સંયમ પર્યાય ધરાવે છે. ભારતના અનેક ક્ષેત્રોમાં સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર કર્ણાકટ, બિહાર, બંગાલ, ઓરિસ્સા સહિત અનેક નાના મોટા ક્ષેત્રોમાં પ્રભુની આજ્ઞા મુજબ હજારો કિલોમીટરનો પગપાળા વિહાર કરી પ્રભુ મહાવીરનો અહિંસા, કરૂણાનો સંદેશ પહોંચાડવામાં તેઓ નિમિત્ત બન્યાં છે. તેઓના લઘુભગિની સ્વ. પૂ. નંદાબાઇ મ.સ. એવમ પૂ. જયોતિબાઇ મ.સ.એ પણ પૂ. મોટા સ્વામીથી પ્રેરિત થઇ તા. ર૬-૧-૧૯૬૧ ના રોજ રાજકોટ સ્થા. જૈન મોટા સંઘના ઉપક્રમે ગોંડલ ગચ્છામાં ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરેલ છે. તેઓના ભત્રીજાના સુપુત્ર હર્ષ કમલેશભાઇ દામાણીએ પણ મૂર્તિપૂજક સમુદાયમાં દીક્ષિત થયેલો છે. જેથી પૂ.તીર્થહંસ વિજયજી મ.સ. તરીકે ચેન્નાઇ-સાઉથમાં વિચરી રહ્યાં છે. તેઓના ભત્રીજી કુ. કિંપલબેન (પૂ.મનસ્વીજી) પણ પૂ. ચંદનાજી પાસે જીવન સમર્પિત કરેલ છે.

તપસ્વી રત્ના પૂ. સ્મિતાબાઇ મ.સ. પણ તેમના જીવન થી પ્રભાવિત થઇ વિ. સં. ર૦૩૬ વાલકેશ્વરમાં દિક્ષા થતાં જિન શાસનમાં ચાર ચાંદ લાગી ગયેલ. તેઓ સરળ નિખાલસ એકદમ ભદ્ર પ્રકૃતિના રહેલા છે. ચતુવિંધ સંઘમાં અને શાસનમાં એકતા જળવાઇ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પણ પૂ. હીરાબાઇ મ. સ. પ્રત્યે ખુબ જ અહોભાવ અને આત્મિયતા ધરાવે છે. અવાર-નવાર શાંતી પુછવા આવતા હોય છે.

સાધ્વી રત્ના પૂ. જયોતિબાઇ મ.સ. તપસ્વી રત્ના પૂ. સ્મિતાભાઇ મ.સ. પૂ. જશુબાઇ મ.સ. પૂ. ઉષાબાઇ  મ.સ. આદિ સતિવૃંદ પૂ. હીરાબાઇ મ.સ.ની અવિરત પણે અગ્લાન ભાવે સેવા વૈયાવચ્ચ કરી રહેલ છે. શિરીષભાઇ બાટવીયાએ જણાવ્યું કે રાજકોટ શ્રી ગીત ગુર્જરી સ્થા. જૈન સંઘ દ્વારા શાસન ચંદ્રીકા ગુરૂણી પૂ. હીરાબાઇ મ.સ. તથા તપસ્વી રત્ના પૂ. સ્મિતાબાઇ મ.સ. પ્રેરિત માતુશ્રી કમળાબેન શામળદાસભાઇ મહેતા પરિવાર સાધાર્મિક સહાય યોજના અંતર્ગત છેલ્લા વીસ વર્ષથી જૈન સમાજના જરૂરીયાતમંદ પરિવારોને દર મહિને નિઃશુલ્ક અનાજ કીટ આપવામાં આવે છે. પૂ. હીરાબાઇ મ.સ.ના જન્મ દિવસ અવસરે ઉતરાયણના દિવસે કિટ વિતરણ કરવામાં આવશે. પૂ. હીરાબાઇ મ.સ. આદિ સતિવૃંદ ગૌ. સં.ના વડામથક ગોંડલની પાવન ભૂમિમાં અપૂર્વે લાભ આપી રહ્યા છે. તા. ૧૪ ના રોજ મેહુલભાઇ દામાણીએ જણાવ્યું કે ગોંડલના પાંચેય જૈન સંઘોના પરિવારોને સંઘ શેષ તથા કર્મચારીઓને જીવન ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવશે.  (પ-રર)

સંકલન :-

મનોજ ડેલીવાળા

રાજકોટ, મો. ૯૮ર૪૧ ૧૪૪૩૯

(4:04 pm IST)