રાજકોટ
News of Wednesday, 13th January 2021

છોટાઉદેપુર-જુનાગઢ રૂટની એસટી બસના ડ્રાઇવરની કુવાડવા પાસે દારૂ સાથે ધરપકડ

એસટી ચેકીંગ શાખાએ ૨૪ બોટલ સાથે પકડી પોલીસને જાણ કરીઃ બીજા દરોડામાં મીનરલ વોટરનો ધંધાર્થી લક્ષ્મીવાડીનો ધવલ ભટ્ટ ૩ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટ તા. ૧૩: કુવાડવા નજીક ગોપાલ હોટેલ સામે એસટીની ચેકીંગ શાખાએ છોટાઉદેપુર-જુનાગઢ રૂટની બસને અટકાવી તલાશી લેતાં બસના ડ્રાઇવર યોગેશ અમૃતલાલ ચુડાસમા (ઉ.વ.૫૭-રહે. એસટી કોલોની, બ્લોક નં.૭, મોતીબાગ જુનાગઢ) પાસેથી રૂ. ૭૨૦૦નો ૨૪ બોટલ દારૂ મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી.

ચેકીંગ સ્કવોડના અજયસિંહ ચુડાસમા, મુકેશસિંહ જાડેજા, આર. પી. સોલંકી, આર. ડી. જાડેજા સહિતે આ કાર્યવાહી કરી હતી. કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ એન.આર. વાણીયાએ જીજે૧૮ઝેડ-૫૨૭૭ નંબરની એસટી બસના ચાલક યોગેશ ચુડાસમા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ભકિતનગર પોલીસનો દરોડો

બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના દિનેશભાઇ બગડા, વાલજીભાઇ જાડા સહિતે લક્ષ્મીવાડી કવાર્ટર-૧૨ કુવાવાળી ખોડિયાર મંદિર પાસે રહેતાં અને મીનરલ વોટરનો ધંધો કરતાં ધવલ ચંદ્રકાંતભાઇ ભટ્ટ (ઉ.વ.૩૨)ને રૂ. ૧૫૦૦ના ૩ બોટલ દારૂ સાથે જંગલેશ્વર ભવાની ચોકમાંથી પકડી લીધો હતો.

(3:55 pm IST)