રાજકોટ
News of Wednesday, 13th January 2021

રસીકરણ દ્વારા ભયાનક આફત સામે લડાઈનો મહત્‍વનો તબક્કલ શરૂ થશે : રાજુભાઈ ધ્રુવ

કોરોના સામેની અસરકારક લડત માટે કેન્‍દ્ર અને રાજય સરકારને અભિનંદન : મુખ્‍યમંત્રી વિજયભાઈના નેતૃત્‍વમાં રસીકરણનું મોટું અભિયાન શરૂ થશે : આર્થિક સમૃદ્ધ દેશો પણ હારી ગયા એ કોરોના સામેની લડાઈમાં ભારતે મોદીજીના નેતૃત્‍વમાં મક્કમ મુકાબલો કયો

રાજકોટ તા. ૧૩ : ભારતમાં તા. ૧૬મી જાન્‍યુઆરીથી આરૌગ્‍યક્ષેત્રે એક તદ્દન નવો અધ્‍યાય શરૂ થશે એવું ભાજપના સૌરાષ્‍ટ્રના પ્રવક્‍તા રાજુભાઇ ધ્રુવે જણાવ્‍યું હતું. આખા દેશમાં કોરોના વિરોધી રસીકરણની પ્રક્રિયા હાથ ધરાવાની છે તેને લઇને નિવેદન કરતાં રાજુભાઇએ જણાવ્‍યું કે દેશના ઇતિહાસમાં આટલા મોટા પાયા પર આ રસીકરણ થઇ રહ્યું છે. કોરોના જેવી મહામારી સામે વિકસિત અને આર્થિક રીતે સમૃદ્ધ દેશો પણ હારી ગયા ત્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં ભારતમાં કોરોના દરમિયાન પણ અસરકારક કાર્યવાહી થઇ અને હવે એની સામેની લડાઇનો વધુ એક તબક્કો શરુ થઇ રહ્યો છે.

સૌરાષ્‍ટ્રના ભાજપના પ્રવક્‍તા રાજુભાઇ ધ્રુવે જણાવ્‍યું કે કોરોના એ સમસ્‍ત વિશ્વ માટે સાવ નવી બીમારી હતી. કોઇને એની જાણ નહોતી. વૈજ્ઞાનિકો પણ મુંજાયા હતા. ભારતમાં જાન્‍યુઆરી ૨૦૨૦ અને ગુજરાતમાં માર્ચ માસથી એની શરૂઆત થઇ. એની સાથે જ નરેન્‍દ્રભાઇના નેતળત્‍વમાં કેન્‍દ્ર સરકાર અને ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતળત્‍વમાં ગુજરાત રાજ્‍ય સરકારે યુદ્ધના ધોરણે આ બીમારીનો સામનો કરવાની તૈયારી શરુ કરી અને એનો અમલ કર્યો હતો. કોવિડ હોસ્‍પિટલો, દવા, ઓક્‍સિજન, વેન્‍ટિલેટરથી લઇને ઇન્‍જેક્‍શન સુધીની વ્‍યવસ્‍થા તાબડતોબ કરવામાં આવી. એક તરફ  દેશભરમાં લોકડાઉન અમલી હતું. અર્થતંત્ર સામે પ્રશ્નાર્થો હતા. બીજી બાજુ લોકોના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરવાની હતી. કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે આ જવાબદારી અત્‍યંત સરાહનીય રીતે નિભાવી હતી.

શ્રમિકોને વતન પહોંચાડવા, ગરીબોને અન્ન પુરવઠો આપવો આ બધું કરવાનું હતું. આ બધી વિપરિત સ્‍થિતિની સામે કોરોના સામે રક્ષણ આપતી રસી શોધવાનું પણ કામ વૈજ્ઞાનિક અને તબીબી સંસ્‍થાઓ પાસે કરાવવાનું હતું. આપણા વૈજ્ઞાનિકો અને તબીબી સંશોધકો પણ આ કામમાં રાત-દિવસ જોયા વગર લાગી પડ્‍યા. જેમ હોસ્‍પિટલોમાં ડોક્‍ટર અને પેરામેડિકલ સ્‍ટાફ સતત ખડેપગે હતા એમ લેબોરેટરીમાં આ સંશોધકો કામ કરતા હતા. અન્‍ય દેશોમાંથી પણ આ સંદેશા આવતા હતા. નરેન્‍દ્રભાઇની આંતરરાષ્‍ટ્રીય છબી, દેશના સંબંધોને લીધે પણ ફાયદો થયો.

આખરે હવે સોળમી તારીખથી રસીકરણ શરુ થઇ રહ્યું છે. ગુજરાતમાં પણ એની તમામ તૈયારી પૂર્ણ થઇ છે.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી હમણાં જ કહ્યા મુજબ ગુજરાતમાં ૧૬હજાર હેલ્‍થ વકર્સને વેક્‍સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરાયા છે.

ગુજરાતમાં ગ્રામ્‍ય અને શહેરીના ૬ સ્‍થળો ઉપર વેક્‍સિન ટ્રાયલ રન અપ સફળતા પૂર્વક પૂર્ણ કરાઇ છે.

ચાર લાખથી વધુ હેલ્‍થકેર વર્કર્સ, ૬ લાખથી વધુ ફ્રન્‍ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્‍યુટીમાં ડાયરેક્‍ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ ૧૧લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્‍સિનનો ડોઝ પહેલા  અપાશે.

 જે બે વેક્‍સિનની મંજૂરી આપવામાં આવી છે તે મેડ ઇન ઇન્‍ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આત્‍મનિર્ભર ભારતના સ્‍વપ્નને વાસ્‍તવિકતા માં બદલવા  માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્‍છા શક્‍તિ સાકાર થઇ છે.

મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતળત્‍વમાં, નાયબ મુખ્‍યમંત્રી-આરોગ્‍ય મંત્રી નિતિનભાઇ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે પોતાની બધી જ તાકાત સાડા ૬ કરોડ જનતાની સેવા માટે લગાડી દીધી છે. લોકડાઉન દરમ્‍યાન પણ આ સરકારે નાગરિકોને કોઇપણ આવશ્‍યક ચીજ વસ્‍તુઓની સમસ્‍યા ઉભી નહોતી થવા દીધી. આ સરકારે નાગરિકોને ભૂખ્‍યા નહોતા સુવા દીધા. બી.પી.એલ કે એ.પી.એલ હોય રાજ્‍યના સાડા પાંચ કરોડ લોકોને વિનામુલ્‍યે અનાજ આ સરકારે પૂરૂ પાડ્‍યું હતું. રાજુભાઇએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી, મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી-આરોગ્‍ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કેન્‍દ્ર સરકાર  રાજ્‍ય સરકાર ના સમગ્ર તંત્ર ની સાથે જ કોરોના સામેની આ લડાઇમાં અડીખમ રહેલા ડોક્‍ટર્સ, પેરામેડિકલ સ્‍ટાફ, પોલીસ, સફાઇ કર્મચારી, વિવિધ વહીવટીતંત્રના કર્મચારીઓ સૌ કોઇ પણ અભિનંદનના અધિકારી છે.

(1:24 pm IST)