રાજકોટ
News of Wednesday, 13th January 2021

કાલથી કમૂહુર્તા પૂરા પણ લગ્નોત્સવ ફેબ્રુઆરીમાં

આવતા મહિને તા. ૧પ અને ૧૬મીએ લગ્નોના મૂહુર્તઃ ત્યારબાદ એપ્રિલમાં લગ્નની મોસમ

સત્યનારાયણ ભગવાનની કથા, રાંદલ માતાજીના લોટા, યજ્ઞ વગેરે માટે કાલથી શુભ સમયઃ શાસ્ત્રી લલિતભાઇ ભટ્ટ

રાજકોટ તા. ૧૩ :.. વિતેલા વર્ષના છેલ્લા મહિનામાં શરૂ થયેલા કમૂહુર્તા આવતીકાલે પૂરા થઇ રહ્યા છે. સામાન્ય રીતે મકરસંક્રાતિએ કમૂહુર્તા પુરા થયા બાદ લગ્નોત્સવની મોસમ શરૂ થતી હોય છે પણ આ વખતે લગ્નના મંગલ મુહુર્તો જાન્યુઆરીમાં નથી. આવતા મહિને શાસ્ત્રોકત દ્રષ્ટિએ માત્ર બે જ  શુભ મુહુર્તો છે.

શાસ્ત્રી શ્રી લલિતકુમાર એલ. ભટ્ટના જણાવ્યા મુજબ કાલે તા. ૧૪ મીએ સવારે ૮-ર૮ વાગ્યે કમૂહુર્તાનો સમય પુરો થઇ રહ્યો છે. કમૂહુર્તા પછી યજ્ઞ, ભગવાનની કથા, રાંદલ માતાજીના લોટા ઉત્સવ, નવા સોપાનના શુભારંભ, મહત્વની નવી ખરીદી વગેરે માટે કાલથી શુભ સમય છે. લગ્નના મુહૂર્ત ફેબ્રુઆરીની તા. ૧પ અને ૧૬ મીએ છે. ત્યાર પછી ફરી લગ્નોત્સવમાં વિરામ આવશે.

શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ એપ્રિલમાં તા. ર૪, રપ, ર૬, ર૭ અને ર૯ તથા મે મહિનામાં તા. ૧, ૪, ૮, ર૧, રર, ર૪, ર૬, ર૮, ૩૦ અને ૩૧ મીએ લગ્ન માટેના શુકનવંતા મુહુર્તો છે. તે દિવસોમાં પુષ્કળ લગ્નો થશે.

(11:52 am IST)