રાજકોટ
News of Wednesday, 13th January 2021

રાજકોટમાં ૨ નો ભોગ લેવાયોઃ નવા ૧૦ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૪,૨૯૭ નોંધાયા તથા ૧૩,૭૪૬ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૬.૨૧ ટકા થયોઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૩૦૫ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૨: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં વધ-ઘટ થઇ રહ્યો છે ત્યારે આજે ૨  દર્દીઓનાં મોત થયા  છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૦ કેસ નોંધાયા હતા.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી   ૭ પૈકી એક  પણ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૧નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૨ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૨  દર્દીએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૩૦૫ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

જીલ્લામાં ૧૦૮ માઇક્રો કન્ટેનમેન્ટઝોન કાર્યરત છે.

બપોર સુધીમાં ૧૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૨૯૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૩,૭૪૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૨૧  ટકા રિકવરી રેટ થયો છે.

જયારે આજ દિન સુધીમાં  ૫,૪૯,૬૧૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૩,૭૪૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૦ ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ગાંધીગ્રામ સોસાયટી-રૈયા રોડ, ઢેબર કોલોની-ઢેબર રોડ, લાભદીપ સોસાયટી-મવડી, સોમનાથ સોસાયટી-કુવાડવા રોડ, સાકેત પાર્ક-નાના મૌવા મેઇન રોડ સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(4:06 pm IST)