રાજકોટ
News of Tuesday, 14th January 2020

મકરસંક્રાંતિ પર્વ નિમિતે રાજકોટનું આકાશ પતંગની રંગોળીથી રંગાયુ

પતંગરસીકોમાં અનેરો ઉત્સાહઃ વહેલી સવારથી જ લોકો અગાશીઉપર પતંગ ચગાવવાનો આનંદ માણશેઃ દિવસભર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા નહી મળે જેને લઇ પતંગરસીકોમાં આનંદની લાગણી

રાજકોટઃ રાજકોટમાં આજે વહેલી સવારથી જ લોકો પતંગની મોજ માણવા અગાસીઓ પર ચડી ગયા હતા અને પતંગો ચગાવવાની મોજ માણી હતી, વહેલી સવારે ઠંડી હોય તો પણ લોકોએ પતંગની મોજ માણી હતી.

આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આજના દિવસથી શુભ મૂહુર્તોની શરૂઆત થાય છે. આજના દિવસે દાન - પૂણ્ય કરવાનો અનેરો મહિમા છે. આજે ગાયને ઘાસ અને પક્ષીઓને દાણા નાખવાનું મહત્વ હોવાથી લોકો ગૌ શાળામાં દાન કરે છે. પક્ષીઓને ચણ નાંખે છે. ગુજરાતમાં ધૂમધામથી ઉત્તરાયણની ઉજવણી થાય છે. મોટા શહેરોથી માંડીને ગામડાઓમાં ઉતરાયણનો અનેરો ઉત્સાહ જોવા મળે છે.

લોકો આખો દિવસ ધાબા પર રહી પર્વની ઉજવણી કરે છે તો પતંગ રસિકો પતંગ ચગાવીને આનંદની મજા માણે છે. સાથે સાથે આજના દિવસે ઊંધિયું, જલેબી અને ચીકીની લિજ્જત પણ માણવામાં આવે છે. આજના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ તરફથી પણ સારા સમાચાર આવ્યા છે. આજે દિવસભર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા નહી મળે. જેને લઈને પતંગરસિકો દિવસભર પતંગ ચગાવવાની મજા માણી શકશે. તો પક્ષીઓની સુરક્ષા માટે સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં ખાનગી સંસ્થાઓ, NGO અને પક્ષીપ્રેમીઓ સેવા આપશે.

(1:01 pm IST)