રાજકોટ
News of Thursday, 13th December 2018

રેલ્વે- બેંક ઓફ ઇન્ડિયા-ડી માર્ટ- હેડ પોસ્ટ ઓફીસ સહિતની ૪૮ મિલ્કતોનો કરોડોનો વેરો બાકીઃ LED સ્ક્રીન માં નામો ચમકશે

રાજકોટ,તા.૧૩ : હાલમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા કડક વેરા વસુલાત ઝૂંબેશ શરૂ કરાઇ છે. જેનાં અંતર્ગત હાલમાં મિલ્કત સીલ અને હરરાજી, નળ-ડ્રેનેજ કનેકશન કાપવા સહિતની  કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે હવેથી રૂ. ૧ લાખથી વધુનો વેરો બાકી રાખનારાઓ બાકીદારોના નામો એલ. ઇ. ડી. સ્ક્રીન અને હોર્ડીગ્સ બોર્ડ ઉપર લખીને જાહેર જનતાને જાણ કરાશે કે આ લોકો વેરો ભરતા નથી.

 આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતુ કે, આ વખતે કોર્પોરેશનમાં નાણાકીય તંગી વર્તાઇ રહી હોય અત્યારથી જ તંત્ર વાહકોએ બાકી વેરાની ઉઘરાણી શરૂ કરી છે અને મીલ્કતો સીલ કરવાની ઝૂંબેશ જોરશોરથી શરૂ થઇ છે અને હવે કોર્પોરેશનની ત્રણેય ઝોનની વેરા શાખામાં ૧ લાખથી વધુ વેરો બાકીદારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બાકીદારોનો વેરો વસુલવા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આપેલ એલઇડી સ્ક્રીન તથા હોર્ડીંગ્સ બોર્ડમાં નામ પ્રસિધ્ધ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ જે બાકીદારોનાં નામ એલ.ઇ.ડી સ્ક્રીનમાં જાહેર કરવાના છે તેવા ૪૮ બાકીદારોનું હીટલીસ્ટ તૈયાર કર્યુ છે. જેમાં ડીવીઝનલ મેનેજર વેર્સ્ટન રેલ્વે, જયુબેલી શાક માર્કેટ - બેંક ઓફ ઇન્ડિયા,  સત્યજીત ગેસ એજન્સી ગોડાઉન, સંતોષીનગર મફતીયા,  એવરન્યુ સુપર માર્કેટ (ડી માર્ટ) કુવાડવા રોડ મેનેજર, સદગુરૂ નગરમાં અબ્બાસભાઇ મુલ્લા હસનઅલી, હરીહર ચોકમાં હેડ પોસ્ટ ઓફીસના સિનીયર પોસ્ટ માસ્તર,  સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ યુનિવર્સિટી રોડ, શ્રી સંજયરાજ-આઇડીબીઆઇ બેંક, દુકાન નં. ર૧, ક્રિસ્ટલ મોલ સેલર ડીમાર્ટ, ક્રાઇસ્ટ કોલેજ, ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, ડાયનેમેટીક ફોર્જીગ, રોલેક્ષ રીગ્ઝ સહિતના ૪૮ જેટલા આ બાકીદારોના ર લાખથી લઇ ૧ર કરોડ સુધીનો વેરો બાકી હોય આ તમામના નામ શહેરના એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર ચમકાવવામાં આવશે તેમ કમિશ્નરશ્રીએ જાહેર કર્યુ છે.

(4:09 pm IST)