રાજકોટ
News of Thursday, 13th December 2018

મેરેથોન યોજાશે પરંતુ ખોટા અને મોટા ખર્ચાને બ્રેક

છેલ્લા ત્રણ વર્ષના યોજાતા સામુહિક ઉર્જાના ઉત્સવ સમાન મેરેથોન દોડ યોજવા મેયર બીનાબેન અને સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કટ્ટીબધ્ધઃ સ્વચ્છતા જનજાગૃતિ માટે રાજકોટવાસીઓને જલ્સો કરાવતી મેરેથોન જ યોજાશેઃ પ્રોફેશનલ અને લકઝરિયસ ખર્ચા નહી થાયઃ ર૧ કી.મી.થી. ઓછો રૂટ રહે તેવી સંભાવના

રાજકોટ તા.૧૩ : મ્યુ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મેરેથોન દોડ યોજવામાં આવે છે. જેમાં ગત વર્ષે યોજાયેલ મેરેથોન દોડના લાખેણા ખર્ચાનો વિવાદ થતા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ આ વર્ષે મેરેથોન દોડ નહી. યોજવા સુચન કર્યું હતું પરંતુ  મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે સામુહિક ઉર્જાના ઉત્સવ સમાન દર વર્ષે યોજાતી મેરેથોન દોડનો સીલ સીલો આ વર્ષે પણ ચાલુ રાખવા કટ્ટીબધ્ધતા દર્શાવી છે. અને વર્ષે કોઇ પણ જાતના ખોટા પ્રોફેશનલ અને લકઝરિયસ ખર્ચા કર્યા વગર માત્રને માત્ર રાજકોટવાસીઓ આનંદ ઉત્સાહથી મેરેથોન દોડનો ઉત્સવ ઉજવે તે હેતુથી આ મેરેથોન દોડવાનું આયોજન છે.

મ્યુ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મેરેથોન યોજવામાં આવી રહી છે અને મેરેથોનને કારણે રાજકોટનું નામ વિશ્વભરમાં ગુંજતું થયું છે. તત્કાલીન મ્યુનિ.કમિશ્નર વિજય નેહરા દ્વારા રાજકોટમાં પ્રથમ વખત મેરેથોન શરૂ  કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વર્ર્ષે ૨૧ કિ.મીની હાફ અને બીજા વર્ષે ૪૨ કિ.મીની  ફુલ મેરેથોન યોજાઇ હતી.

પરંતુ આ વર્ષની મેરેથોન દોડનાં ખર્ચમાં લાખોનો ભ્રષ્ટાચાર થયાની શંકાએ આ ખર્ચનાં હીસાબોની ઉંડી તપાસનાં આદેશો સ્ટેન્ડીંગ કમીટી દ્વારા અપાતાં આ બાબત વિવાદાસ્પદ બની હતી અને પરિણામે ઉચ્ચ વહીવટી અધિકારીએ મેરેથોન દોડની ફાઇલનાં ખર્ચમાં ખાસ નોંધ મુકી દિધી છે હવે પછી 'મેરેથોન દોડ નહિ યોજાય તે માટે મ્યુ.કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય અને સ્ટે. ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતુ કે, શહેરમાં ફેબ્રુઆરી માસમાં મેરેથોન યોજાશે. આ મેરેથોનમાં ખર્ચ ઓછો થાય તેવુ આયોજન કરવામાં આવશે. આ મેરેથોનમાં સફાઇ સહિત બાબતે લોકોને જાગૃતિ લાવવામાં આવશે. આ મેરેથોન ૨૧ કિ.મીથી ઓછી યોજવાની  શકયતા દર્શાવવામાં આવી છે.

(3:57 pm IST)