રાજકોટ
News of Thursday, 13th December 2018

પૈસાની ઉઘરાણી બાબતે કરેલી અરજી પાછી ખેંચી લેવા બાબતે રૂષીભાઇ ઠાકર પર હુમલો

રૂષીભાઇએ શાહરૂખ પાસેથી લીધેલા ઉછીના પૈસા આપી દીધા છતાં માંગણી કરતા પોલીસમાં અરજી કરી'તીઃ શાહરૂખ અને ધર્મેશ સામે ગુનો

રાજકોટ તા.૧૩: કસ્તુરબા રોડ પર રસિક બિલ્ડીંગમાં રહતેા વિપ્ર વેપારીએ અગાઉ પોલીસ મથકમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા પ્રશ્ને બે શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ચૌધરી હાઇસ્કૂલ ચોક કસ્તુરબા રોડ પર રસીક બિલ્ડીંગમાં રહેતા અને હરિહર ચોકમાં ઠાકર એન્ડ કંપની નામે સ્ટેશનરીની દુકાન ધરાવતા રૂષીભાઇ રસીકભાઇ ઠાકર (ઉ.વ.૪૩) એ એ ડિવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં શાહરૂખ જુણેજા અને ધર્મેશ ગૌસ્વામીના નામ આપ્યા છે. રૂષીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ગઇકાલે ઘરેથી કામ સબબ યાજ્ઞિક રોડ પર કોટક મહિન્દ્રા બેંકની સામે રોડ ઉપર મિત્રસોકત પાસે ગયા હતા અને ત્યાં ઉભા હતા તે દરમ્યાન શાહરૂખ જુણેજાનો પોતાના મોબાઇલમાં ફોન આવ્યો હતો. બાદ પોતે પોતાના ઘરે જતા હતા ત્યારે જયુબેલી ચોક પાસે આવેલ એમ્બેસી ટાવર નજીક પહોંચતા શાહરૂખ જુણેજા અને તેની સાથે ધર્મેશ ગૌસ્વામી બંને સફેદ કલરનું એકટીવા લઇને ઉભા હતા. અને પોતાને ઉભા રાખી કોઇ વાતચીત વગર એક ફડાકો મારી દીધેલ અને બાદમાં ત્યાંથી મને સોમનાથ ટ્રાવેલ્સની ઓફીસની સામેની શેરીમાં પંચરની દુકાન આવેલ છે. ત્યાં લઇ ગયેલ જયા આ શાહરૂખ જુણેજાએ મને કહેલ કે, ' તે મારા વિરૂદ્ધ જે પોલીસમાં  જે અરજી કરેલ છે.' તે પાછી ખેંચી લે તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ અને આ બંને શખ્સોએ ઉશ્કેરાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને શાહરૂખે લાડકાના ધોકા વડે માર મારતા ડાબા પગે તેમજ જમણા હાથે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા શાહરૂખે 'જો તુ મારા વિરૂદ્ધ પોલસમાં કરેલ અરજીઓ પાછી ખેંચી લે જે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ બનાવમાં પોતે અગાઉ શાહરૂખ પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલ હતા. જે પૈસા પરત આપી દીધા છતાં શાહરૂખે વધુ પૈસાની માંગણી કરતો હોઇ, તેથી પોતે તેના વિરૂદ્ધ પોલીસ મથકમાં અરજી કરી હતી.

આ અરજી પાછી ખેંચી લેવા માટે બંને શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે એ ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. સાખરાએ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)