અપહરણ-પોકસોના ગુનાના આરોપીને આશરો આપનાર વાછકપર અને રાજકોટના બે પકડાયા
બી-ડિવીઝન પોલીસે સતિષ નકુમ અને પ્રવિણ રામાણીને પકડ્યા
રાજકોટ તા. ૧૩: કુવાડવા રોડ આશ્રમ પાછળ ચામુંડા સોસાયટીમાં રહેતો સુખદેવ પ્રફુલભાઇ હેરમા નામનો યુવાન અગાઉ સગીરાને ભગાડી ગયો હતો. તેના વિરૂધ્ધ અપહરણ, પોકસો અને બળાત્કારની કલમો હેઠળગુનો નોંધાયો હતો. પોલીસે અગાઉ તેને પકડી લીધો હતો અને અપહૃતને મુકત કરાવી હતી. તે સગીરાને પોતાના સગાની વાડીએ અને રહેણાંક મકાને લઇ ગયો હતો અને શરીર સંબંધ બાંધ્યો હોઇ આ આરોપમાં તેને આશરો આપનારા ટંકારા અને રાજકોટના બે શખ્સને બી-ડિવીઝન પોલીસે પકડ્યા છે.
પોલીસે ટંકારાના વાછકપર બેડી ગામે રહેતાં સતિષ ભુપતભાઇ નકુમ (ઉ.૨૮) તથા કુવાડવા રોડ ભગવતી પાર્ક આશ્રમ પાસે રહેતાં પ્રવિણ બાબુભાઇ રામાણી (ઉ.વ.૪૯)ને અપહરણના આરોપીને આશરો આપવાના ગુનામાં પકડી લઇ કાર્યવાહી કરી છે. આરોપી સુખદેવ ગત તા. ૧૬/૧૦ના રોજ સગીરાને ભગાડી ગયો હતો. તેના વિરૂધ્ધ અપહરણ, પોકસો અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. તેની ૯/૧૧ના ધરપકડ કરવામાં આવી હતી. એ પછી સુખદેવને આશરો આપનારા બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્સ. રશ્મીનભાઇ પટેલ અને મહેશભાઇ રૂદાતલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.