રાજકોટ
News of Wednesday, 13th November 2019

અપહરણ-બળાત્કાર અને પોકસોના ગુનામાં ફરાર ગુલશનને ઓરિસ્સાના નકસલી વિસ્તારમાંથી તાલુકા પોલીસે દબોચ્યો

પી.આઇ. વણઝારાની ટીમે વેશપલ્ટો કરી ૧૦ દિવસ રઝળપાટ કરી શોધી કાઢ્યોઃ પોલીસ કમિશનરે ટીમને ઇનામ આપ્યું

ઝડપાયેલો શખ્સ ગુલશન તથા વિગતો આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. વી.એસ. વણઝારા તથા પાછળ ટીમ જોઇ શકાય છે. અન્ય તસ્વીરમાં જંગલમાં વેશપલ્ટો કરનાર તાલુકા પોલીસની ટીમ આરોપી સાથે જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩: નાના મવા રોડ વિસ્તારમાં કડીયા કામની સાઇટ પર રહી મજૂરી કરતાં ઓરિસ્સાના શખ્સ ગુલશન ગલીયાતભાઇ આદિવાસી (ઉ.૨૩) નામના શખ્સે બે મહિના પહેલા એક સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. જે તે વખતે સગીરા તેના વાલીને મળી ગઇ હતી. પરંતુ ગુલશન ભાગી ગયો હતો. આ મામલે તાલુકા પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસો હેઠળ ગુનો નોંધ્યો હતો. બે માસથી ફરાર આ શખ્સને ચોક્કસ માહિતીને આધારે તાલુકા પોલીસની ટીમે દસ દિવસ સુધી ઓરિસ્સાના બદુંગીયાના જંગલ વિસ્તારમાંથી શોધી કાઢ્યો છે. પોલીસને આ શખ્સને પકડવા ત્યાંના સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કરવો પડ્યો હતો.

વિગતો એવી છે કે બે મહિના પહેલા એક સગીરાનું અપહરણ થઇ ગયું હતું. તાલુકા પોલીસ સુધી વાત પહોંચતા તપાસ શરૂ થતાં અપહરણ નાના મવા રોડ પર બેકબોન સાઇટ પાસે રહી મજૂરી કરતાં મુળ ઓરિસ્સાના બાલીગુડાના બદુંગીયા ગામના ગુલશન ગલીયાતભાઇનું નામ સામે આવ્યું હતું. પોલીસની ભીંસ વધતા ગુલશન સગીરાને મુકી ભાગી ગયો હતો. પોલીસે સગીરાની પુછતાછ કરતાં તેણીને ઓરિસ્સા પંથકમાં લઇ જઇ બળાત્કાર ગુજારાયાની વિગતો વર્ણવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

બે મહિનાથી ફરાર ગુલશન ઓરિસ્સાના તેના વતન આસપાસ જંગલ વિસ્તારમાં છુપાઇ રહેતો હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને દસેક દિવસ સુધી વેશપલ્ટો કરી જંગલ વિસ્તારમાં દોડધામ કરી હતી અને આરોપીની શોધી કાઢી રાજકોટ લાવી હતી. આ કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રોકડ ઇનામ આપ્યું હતું.

પોલીસ કમિશનર અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પી.આઇ. વી. એસ. વણઝારાની દેખરેખ હેઠળ પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ આર. બી. જાડેજા, કોન્સ. કિરણભાઇ, વિરેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ સેંગલીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:55 pm IST)