રાજકોટ
News of Wednesday, 13th November 2019

પરેશનું 'પુરૂ' થઇ ગયાનું પ્રેમી મયુરે કહ્યા પછી પણ ક્રુર કિરણે કહ્યું- હજી એકવાર જોઇ લે જીવતો તો નથી ને!

કિરણે પ્રેમી મયુરને કહેલું-પરેશ રોજ એના ભાઇબંધો ભેગો જાય છે, એકલો જાય એટલે તને ફોન કરીશઃ હત્યાની સાંજે પરેશ ઝઘડો કરી એકલો નીકળ્યો ને મયુરને જાણ કરી દીધીઃ મયુરે ખુબ દારૂ પીવડાવ્યો પછી પતાવી દીધો : હત્યાના આરોપી કિરણ ભરવાડ અને મયુર ઉર્ફ મયલો ભરવાડનો કબ્જો આજીડેમ પોલીસે સંભાળ્યોઃ ઘટનાનું રિકન્સ્ટ્રકશન : કાવત્રા અને મદદગારીની કલમનો ઉમેરોઃ કિરણને કોઇ પછતાવો નથી

તસ્વીરમાં હત્યાનો આરોપી મયુર ઉર્ફ મયલો ચાવડીયા ઘટના સ્થળે પોતે કઇ રીતે હત્યા કરી હતી તે દર્શાવતો દેખાય છે. સાથે ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડ, કનકસિંહ સોલંકી, ધીરૂભાઇ અઘેરા સહિતનો સ્ટાફ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: કોઠારીયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતાં ભરવાડ યુવાન પરેશ  ઉર્ફ પવો નાથાભાઇ ગોહેલ (ઉ.૪૨)ની શનિવારે કોઠારીયા સોલવન્ટ પાણીના ટાંકા પાસેથી  હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યાની આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખતા સનસનાટીભરી વિગતો ખુલી હતી. પરેશની હત્યા તેની જ પત્નિ કિરણે પોતાના  પ્રેમી પ્રહલાદ પ્લોટ-૩૫માં રહેતાં ભરવાડ મયુર ઉર્ફ મયો ચંદુભાઇ ચાવડીયા (ઉ.૪૦) મારફત કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. એ સાથે ચોંકાવનારી વિગતો ખુલી હતી. હવે આ બંને આરોપીનો કબ્જો આજીડેમ પોલીસે સંભાળી કાવત્રાની કલમ ૧૨૦ (બી) તથા મદદગારીની કલમ ૧૧૪નો ઉમેરો કર્યો છે. આરોપી મયુરને આજે બપોરે ઘટના સ્થળે લઇ જઇ તેણે કઇ રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રકશન તેની પાસે કરાવડાવ્યું હતું. દરમિયાન કિરણની ક્રુરતાની નવી એક વાત પણ બહાર આવી છે. પ્રેમી મયુરે તેણીને ફોન કરી 'પરેશનું પુરૂ થઇ ગ્યું' એવું કહ્યા બાદ પણ તેણીએ થોડીવાર રહી ફરીથી ફોન કરી 'હજી એકવાર જોઇ આવ ઇ જીવતો તો નથી ને' તેમ કહેતાં મયુરે ફરીથી લાશ પાસે જઇ ખાત્રી કરી હતી.

પરેશની હત્યાની ઘટના જાહેર થઇ એ પછી ભેદ ઉકેલવા માટે આજીડેમ પોલીસની સાથોસાથ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. દરમિયાન એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા અને સાથી કર્મચારીઓને ચોક્કસ બાતમી મળતાં પરેશની પત્નિ કિરણને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરતાં પહેલા તો તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. એ પછી ખોટી સ્ટોરીઓ ઉભી કરી હતી. અંતે પોલીસ સમક્ષ સત્ય ઓકી દીધું હતું. કિરણે કબુલ્યું હતું કે પતિ પરેશ ઉર્ફ પવો દારૂ પી પોતાની સાથે સતત ઝઘડા કરી હેરાન કરી ત્રાસ ગુજારતો હોઇ પોતે ખુબ કંટાળી ગઇ હતી. એ દરમિયાન પોણા બે વર્ષ પહેલા દ્વારકામાં પ્રહલાદ પ્લોટના મયુર ઉર્ફ મયલો ચાવડીયા સાથે પોતાની પહેલી મુલાકાત થઇ હતી અને એ સાથે જ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. એ પછી બંને ફોનથી સંપર્કમાં રહેતાં હતાં. છેલ્લે પરેશનો ત્રાસ વધી ગયો હોઇ પોતે તેનાથી કાયમી છુટકારો મેળવવા ઇચ્છતી હતી.

કિરણે આગળ કહ્યું હતું કે  ૨૬/૧૦ના રોજ પણ પરેશે દારૂ પી ઘરે આવી ઝઘડો કરી પોતાને ધોકો ફટકારી લેતાં માથામાં આઠેક ટાંકા લેવા પડ્યા હતાં. ત્યારે જ તેનું કાસળ કાઢી નાંખવાનો નિર્ણય કરી લીધો હતો અને પ્રેમી મયુર ઉર્ફ મયલાને વાત કરી હતી. કિરણે મયલાને કહ્યું હતું કે મારો પતિ પરેશ રોજ સાંજે તેના ભાઇબંધો ભેગો છાંટોપાણી કરવા જાય છે. જે દિવસે એ એકલો જાય ત્યારે હું તને ફોન કરીશ અને તું તેનું પુરૂ કરી નાંખજે.

ત્યારબાદ કિરણ અને મયુર બંને તકની રાહમાં હતાં. દરમિયાન શુક્રવારે સાંજે પરેશ  ફરીથી કિરણ સાથે ઝઘડો કરી નીકળ્યો હતો. આ વખતે તે એકલો જ નીકળ્યો હોવાનું કિરણે જાણી લેતાં તેને મયુરને ફોન જોડ્યો હતો અને ગમે તેમ કરી પરેશને શોધી પુરૂ કરી નાંખવા કહ્યુ હતું. તેમજ હત્યા વખતે ફોન ચાલુ રાખે જેથી પોતે પતિની ચીસ સાંભળી શકે તેમ કહ્યું હતું. આજીડેમ પોલીસની તપાસમાં ખુલ્યું છે કે મયુર અને પરેશ એકબીજાને ઓળખતા જ હતાં. આથી શુક્રવારે સાંજે મયુરે રસુલપરા આસપાસથી પરેશને શોધી લીધો હતો અને 'હાલો પીવા જઇએ' તેમ કહી પોતાના બાઇકમાં બેસાડી પહેલા પરેશને ખુબ દેશી દારૂ પીવડાવ્યો હતો. એ પછી કોઠારીયા સોલવન્ટ પાણીના ટાંકા પાસે અવાવરૂ સ્થળે અવેડા નજીક ધક્કો દઇ પછાડી તેની છાતી પર ચડી જઇ ગળાચીપ આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ વખતે પરેશ ઉર્ફ પવો ખુબ નશાને કારણે બેશુધ્ધ જેવો હોઇ તેની ચીસો પણ નીકળી નહોતી. પણ કિરણના કહેવાથી હત્યા વખતે મયુરે પોતાનો ફોન ચાલુ રાખ્યો હતો. પરેશનું પુરૂ થઇ ગયા પછી તેણે કિરણને ફોન કરી જાણ કરી હતી અને રવાના થઇ ગયો હતો.

પરંતુ કિરણે ફરીથી મયુરને ફોન કરી કહ્યું હતું કે-હજી એકવાર લાશ જોઇને ખાત્રી કરી આવ, એ કયાંક જીવતો તો નથી ને?!...આથી પરેશ ફરીથી તપાસ કરવા ગયો હતો. તે એ તરફ જતો હોવાના પુરાવા પણ પોલીસને સાંપડ્યા છે. આમ કિરણ કેટલી હદે ક્રુર થઇ ગઇ હતી તે સામે આવ્યું છે. તેને પતિની હત્યાનો જરાપણ અફસોસ નથી.

દરમિયાન આજે આરોપી મયુર ઉર્ફ મયલાને આજીડેમ પોલીસે ઘટના સ્થળે લઇ જઇ તેણે કઇ રીતે પરેશ ઉર્ફ પવાની હત્યા નિપજાવી હતી તે સમગ્ર ઘટનાનું તેની પાસે રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડ, કનકસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, ધીરૂભાઇ અઘેરા તથા ડી. સ્ટાફની ટીમ વિશેષ તપાસ કરે છે.

(3:52 pm IST)