રાજકોટ
News of Wednesday, 13th November 2019

મેડીકલ કોલેજના લાયબ્રેરીયન ડો.રાજેશ ત્રિવેદી શિક્ષાવિદ અતિ વિશિષ્ટ પુરસ્કારથી સન્માનિત

રાજકોટ, તા. ૧૩ : અખિલ ભારતીય શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સમગ્ર ભારતભરનું રાષ્ટ્રીય અધિવેશન પવિત્ર આસ્થાનું અને સાંસ્કૃતિક નગરી પુષ્કર (રાજસ્થાન) ખાતે પૌરાણિક શ્રી મહાલક્ષ્મી મંદિરના પટાંગણમાં યોજાયેલ. આ અધિવેશનમાં સેવાકીય સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન હોઈ તેને 'શિક્ષા વિદ અતિ વિશિષ્ટ' પુરસ્કારથી સન્માનિત કરાતા હોય છે. આ પુરસ્કાર પી.ડી.યુ. મેડીકલ કોલેજ - રાજકોટના લાયબ્રેરીયન ડો. રાજેશ હર્ષદરાય ત્રિવેદીને રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્રકુમાર દવે સચિવ વિધ્યુશેખર દવે સંરક્ષક પુરૂષોત્તમ શ્રીમાળી દ્વારા એનાયત કરવામાં આવેલ આ સંમેલન આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા પવિત્ર એવા પુષ્કર સંસ્કૃતિ મેળાની સાથે જ યોજાયેલ પવિત્ર પુષ્કર સરોવર કાંઠે બિરાજમાન પૌરાણિક શ્રી મહાલક્ષ્મી મંદિર - શ્રીમાળી ભવન ખાતે યોજાયેલ. જેમાં દેશભરમાંથી શ્રીમાળી બ્રાહ્મણ પરીવારો ઉપસ્થિત રહેલ.

આ એવોર્ડ મેળવનાર ડો.રાજેશ ત્રિવેદી  મુળ ઉપલેટાના વતની છે. તેઓ શ્રી સિદ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા ૧૯ વર્ષથી દિવ્યાંગો માટે વિનામૂલ્યે સાધન સહાય, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, ઉનાળામાં સ્લીપર વિતરણ વિ.પ્રવૃતિઓ કરી રહ્યા છે. તેઓ લાયબ્રેરી સાયન્સ ક્ષેત્રે ડોકટરેટની લાયકાત ધરાવે છે. તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ૨૫થી પણ વધારે રીસર્ચ પેપર્સ તેઓ દ્વારા પ્રસિદ્ધ થઈ ચૂકયા છે. નેશનલ કક્ષાની બે કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકેની અગ્રીમ જવાબદારી નિભાવી પાર પાડેલ છે. ગૌરવપદ એવોર્ડ ડો.રાજેશ ત્રિવેદીને એનાયત કરાતા તેઓને મો.૯૮૯૮૦ ૨૭૫૧૪ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:52 pm IST)