રાજકોટ
News of Wednesday, 13th November 2019

રાજકોટ જીલ્લાના દરેક તાલુકામાં પાકને ભારે નુકશાનીઃ તાકિદે વળતર ચૂકવોઃ આવેદન

ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમ દ્વારા સૂત્રોચ્ચાર-કલેકટરને રજૂઆત

ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે આજે પાક વિમા - નુકશાની પ્રશ્ને કલેકટર કચેરીમાં દેખાવો કરી આવેદન પાઠવ્યું હતું

રાજકોટ, તા. ૧૩ :. ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખૂબ જ પાક નુકસાન થયેલ છે અને રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવા બાબતે માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા સરકારને રજૂઆત કરીએ છીએ કે અમારા જિલ્લાના તમામ પાકના નુકસાનીનો સર્વે કરો અને તમામ ખેડૂત મિત્રોને થયેલા નુકસાનનું વળતર વીમા કંપની દ્વારા આપે, કારણ કે ગુજરાત સરકારશ્રીએ પણ રજૂઆત કરેલ છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિ થયેલ છે, તો ખેડૂતોના પાકનું સર્વે કરવામાં વિલંબ કેમ ? અને વિમો ચૂકવવામાં આટલા બહાનાબાજી કેમ ?  ખેતીપ્રધાન દેશમાં  ખેડૂતોની  આવી  દશા કેમ ?

બીજુ એક તો ચોમાસુ પાકને સંપૂર્ણ નુકસાન થયેલ છે અને ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાકને વધારે પ્રાધાન્ય આપે, એ હેતુથી ખેડૂતોને પુરતી વિજળી આપો અને વારંવાર લાઈટના ઝટકા આવવાથી ખૂબ મુશ્કેલી પડે છે અને ખેડૂતો મિત્રો પોતાની ફરીયાદ લખાવ્યા પછી ૧૦ થી ૧૫ દિવસ સુધી ખેડૂતોના ખેતરે કોઈ રીપેરીંગ કરી જતુ નથી, જેથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે, તો પુરતી વિજળી અને ઝડપથી રીપેરીંગ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આવેદન દેવામાં જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા, પ્રભુદાસભાઈ મણવર, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, મનોજભાઈ ડોબરિયા, ઠાકરશીભાઈ પીપળીયા વગેરે જોડાયા હતા.

(3:49 pm IST)