રાજકોટ
News of Wednesday, 13th November 2019

સોમવારથી ફરી મગફળીની ખરીદી,પ્રારંભે ૫૦ - ૫૦ ખેડૂતોને બોલાવાશે

૧ દિવસ ૩૬૨ ખેડૂતો પાસેથી થયેલ ખરીદી બાદ અટકેલી કામગીરી આગળ વધારાશે

રાજકોટ, તા. ૧૩ :. રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ સંચાલિત ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયાનો નવેસરથી તા. ૧૮ સોમવારથી પ્રારંભ થનાર છે. અગાઉ સરકારે ૧ નવેમ્બરથી ખરીદી શરૂ કરેલ. તે વખતે જ વાવાઝોડા અને વરસાદની સ્થિતિ સર્જાતા ખરીદી પ્રક્રિયા સ્થગિત કરેલ. તે આવતા સોમવારથી ફરીથી શરૂ થશે. પ્રથમ ૧ દિવસમાં તે વખતે ૩૬૨ જેટલા ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી હતી.

મગફળી ટેકાના ભાવ રૂ. ૧૦૧૮ના મણ લેખે વેચવા માટે ૪.૭૧ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. કમોસમી વરસાદ પછી કેટલા ખેડૂતો મગફળી વેચવા આવે છે ? તે તો ખરીદી શરૂ થયા પછી ખ્યાલ આવશે. ૧૪૫ જેટલા કેન્દ્રો પર ખરીદી શરૂ થશે. દરેક કેન્દ્રમાં પ્રારંભના દિવસોમાં રોજ ૫૦ - ૫૦ ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવશે. વ્યવસ્થા જેમ ગોઠવાતી જાય તેમ ક્રમશઃ ખેડૂતોને બોલાવવાની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ખેડૂતોને જાણ કરવા માટે એસએમએસ અને ફોન સહિતની અગાઉની સઘળી વ્યવસ્થા યથાવત રહેશે.

 

(3:37 pm IST)