રાજકોટ
News of Wednesday, 13th November 2019

કાલે ૧૪ નવે. વર્લ્ડ ડાયાબીટીસ ડે ડાયાબીટીસની સાથે શરીરમાં અનેક રોગ આવે છે : કાળજી લેવી ખૂબ હિતાવહ

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ફીઝીશ્યન એન્ડ ઇન્ટનસીવીસ્ટ ડો. ભૂમિ દવે એ ડાયાબીટીસ વિશે માહિતી આપતા જણાવેલ હતું કે ડાયાબીટીસ (મધુપ્રેહ)એ એક મહાભયંકર વ્યાધિ છે, જેનાથી દુનિયાભરમાં અંદાજે ૪રપ,૦૦૦,૦૦૦ લોકો પીડિત છે. ૧૪ નવેમ્બર, દુનિયાભરમાં 'વર્લ્ડ ડાયાબીટીસ ડે' તરીકે ઉજવવામાં આવે છે. મેડીકલ ભાષામાં આ રોગ શરીરમાં સ્વાદુપીંડમાંથી નીકળતા ઇન્સુલીન નામક અંતઃસ્ત્રાવની (હોર્મોન્સ) ખામી અથવા ઉણપથી થાય છે, જેથી શરીરમાં લોહીની અંદર ખાંડ (શર્કરા)નું પ્રમાણ ખૂબ જ વધી જાય છે અને જે રોગ થાય તેને ડાયાબીટીસ કહેવાય છે. જો ઇન્સુલીનનું ઉત્પાદન ન થાય તો ટાઇપ-૧ ડાયાબીટીસ થાય અને તેનો ઉપાય ફકત ઇન્સુલીન જ છે. તે બહારથી આપવું પડે છે, પણ આજે જે મુખ્ય હેતુ છે ટાઇપ-ર ડાયાબીટીસ સમાજમાં વધતો કેમ રોકી શકાય તેનો છે. નિયમિત વ્યાયામ, કસરત કરવી, પૌષ્ટિક અને સમતુલા વાળો ખોરાક લેવો, દરરોજ ૮ કલાકની ઉંઘ લેવી અને મનની શાંતિ જો કેળવવામાં આવે તો ડાયાબીટીસને વધતો અટકાવી શકાય છે.

ડો. ભૂમિ દવે એ વધુ માહિતી આપતા જણાવેલ હતું કે આ માટે ફકત એક વ્યકિત કે ડોકટરનું કામ નથી તેના માટે બધાએ સહીયારો પ્રયત્ન કરવો પડશે અને રોગ પ્રત્યેની જાગૃત્તા લાવવી પડશે અને દરેક વ્યકિત સજાગ થવું પડશે. પોતાની તંદુરસ્તી જાળવવા માટે ડાયાબીટીસ કયા કયા કારણોસર થઇ શકે તે જાણવું ખૂબ જ અગત્યનું છે અને તે માટે જ આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવો જ પડશે. બેઠાળુ જીવન, વ્યસનમાં તંબાકુ, પાન-મસાલા, ગુટકા, બીડી, સીગારેટ વિગેરેનું સેવન, ઠંડા પીણા, જંક ફુડ જેમકે પીઝા, બર્ગર, સેન્ડવીચ, બેકારીની વાનગીઓ વગેરેનું સેવન, મનનો તનાવ, ડીપ્રેશન, ટેન્શન વગેરે જેવી વસ્તુઓએ માનવીના જીવનનો અહમ હિસ્સો બની ગઇ છે. આ બધી વસ્તુઓને આપણા જીવનમાંથી નિકાલ જરૂર છે. ડાયાબીટીસ એક રાજ રોગ છે એ આવે તો સાથે બીજા અનેક રોગ લઇને આવે છે. ૩ માંથી ર વ્યકિતને બી.પી.(હાઇપરટેન્શન) હોય છે. ૩પ થી ૪૦% ને ડાયાબીટીસના કારણે કીડનીની બીમારી થાય છે અંધત્વનું એક મોટુ કારણ પણ ડાયાબીટીસ જ છે. હૃદયરોગ, કોલેસ્ટ્રોલનુ વધવુ, પી.વી.ડી. (પેરીફેરલ વાસ્કયુલર ડિસીસ) વગેરે પણ ડાયાબીટીસ સાથે સંકળાયેલ છે. આ રોગ વારસાગત પણ છે અને આપણે એસીયન્સના તો જીન્સ પણ એવા છે કે જો આપણે આપણી જીવનશૈલીમાં સુધારો ન કરીએ તો આપણને ડાયાબીટીસ બીજા કરતા ઝડપથી થઇ શકે છે.

ડાયાબીટીસ ડે નિમિતે ચાલો આપણે એક સજાગ માનવી બનીને સારી ટેવો અપનાવીએ અને રોજ વ્યાયામ, યોગ, પ્રાણાયમ, કસરત ખૂબ પાણી પીવું, ૮ કલાકની ઉંઘ લેવી, વ્યસનથી મુકત થઇએ અને ડાયાબીટીસનું સમયસર નિદાન કરવા ડોકટરની જરૂર પડશે જ માટે નિયમિત હેલ્થ ચેકઅપ કરાવી ડોકટરની સલાહ લો અને ડાયાબીટીસના રોગને વધતો અટકાવવાની રીત જાણો. જો દર્દીને ડાયાબીટીસ થાય તો નિયમિત સુગર ચેક કરાવવું, નિયમિત ડોકટરની સલાહ મુજબ દવાઓ લેવી, કોઇપણ પ્રકારનો ઉપવાસ કરવો નહીં અને જાતે દવાઓ બંધ કરવી નહીં. ઘણા લોકોને ડાયાબીટીસ કાબુમાં લાવવા ઇન્સુલીન લેવું પડે છે, તો તે લેવાથી ગભરાવવું નહીં. જો તમે તમારા રોગને જાણસો અને સમજશો તો ચોક્કસ તેના ઉપર આપણે કાબુ મેળવી શકીએ. (પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર)

ડો. ભૂમિ દવે

એમ.ડી., ઇન્ટરનલ મેડીસીન કન્સલ્ટન્ટ ફીઝીશ્યન એન્ડ ઇન્ટનસીવીસ્ટ એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ

(3:37 pm IST)