રાજકોટ
News of Wednesday, 13th November 2019

કિસાનપરા ચોકમાં આઇ-વે પ્રોજેકટના કેમેરાની આઉટડોર કેબીનેટમાંથી બેટરી ચોરવાનો પ્રયાસ

પોલીસ કન્ટ્રોલ રૂમની સીસીટીવી સ્ક્રીનમાં ચોરી કરતો શખ્સ નજરે ચડતાં રંગેહાથ પકડી લેવાયોઃ ઝડપાયેલો સંજય મુળ રાધનપુરનો

રાજકોટ તા. ૧૩: કિસાનપરા ચોકમાં આવેલા આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરાની આઉટડોર કેબિનેટ (ઓડીસી)માંથી એક શખ્સે પાવર બેકઅપ માટેની યુપીએસ બેટરી ચોરી કરવાનો પ્રયાસ કરતાં કન્ટ્રોલ રૂમના કેમેરામાં તે દેખાતાં તેને પકડી લઇ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ વિભાગમાં જાણ કરવામાં આવતાં તેના કર્મચારીની ફરિયાદ પરથી આ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે વાણીયાવાડી-૭માં મહાદેવ મંદિર સામે ચામુંડા નિવાસવાળી શેરીમાં રહેતાં અને રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.માં કોન્ટ્રાકટ બેઝથી નોકરી કરતાં મોૈલિક હિમાંશુભાઇ દાવડા (ઉ.૨૯)ની ફરિયાદ પરથી સંજય બાલભાઇ વઢીયારા (ઉ.૨૭-રહે. હાલ રાજકોટ, મુળ રાધનપુર) સામે ચોરીના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

મોૈલિકના કહેવા મુજબ ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ પોતે ઘરે હતો ત્યારે સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ વિભાગના હેડ સંજયભાઇ ગોહેલે તેને ફોન કરી જાણ કરી હતી કે પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે એક એક શખ્સને પકડીને લાવવામાં આવ્યો છે. આ શખ્સ કિસાનપરા ચોકમાં કેમેરાની ઓડીસીમાંથી બેટરી ચોરવાનો પ્રયાસ કરતાં પકડાયો છે. આથી પોતે કન્ટ્રોલ રૂમે પહોંચેલ અને પકડાયેલા શખ્સની પુછતાછ કરતાં પોતાનું નામ સંજય બાલભાઇ વઢીયારા જણાવ્યું હતું. તેને એ-ડિવીઝન પોલીસ મથકે લઇ જવાયા બાદ તેની સામે ગુનો નોંધાવ્યો  હતો. તેણે જે બેટરી ચોરવાનો પ્રયાસ કર્યો હતો તેની કિંમત ૭ હજાર થાય છે.

ઝડપાયેલા શખ્સની એએસઆઇ ડી. બી. ખેરએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)