રાજકોટ
News of Wednesday, 13th November 2019

કુવાડવા પાસે બોલેરોનું ટાયર ફાટતાં રોડ પર ફેંકાઇ ગયેલા યુવાનનું મોત

૮મીએ તલ ભરી રાજકોટથી બામણબોર તફર જતી વખતે સામા કાંઠે રહેતો મુળ યુપીનો લાલો બોલેરો પર બેઠો હોઇ ફંગોળાતા ગંભીર ઇજા થઇ'તીઃ સારવારમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૩: કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસે છ દિવસ પહેલા બોલેરો પીકઅપ વેનનું ટાયર ફાટતાં ઉપર બેઠેલો મુળ યુપીનો યુવાન ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

સંત કબીર રોડ પર રહેતો મુળ યુપીનો શિવપૂજન ઉર્ફ લાલો ઇનપાલભાઇ શુકલા (ઉ.૩૯) તા. ૭/૧૧ના રોજ ભરવાડ યુવાન સાથે રાજકોટથી બોલેરો પીકઅપ વેનમાં તલ ભરી બામણબોર તરફ ખાલી કરવા જતો હતો ત્યારે ક્રિષ્ના વોટર પાર્ક પાસે બોલેરોનું ટાયર ફાટતાં પલ્ટી મારી જતાં તે ઉપર બેઠો હોઇ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત રાતે તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ જાણ કરતાં કુવાડવાના એએસઆઇ ધીરૂભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મુળ યુપીનો હતો અને અહિ રહી મજૂરી કરતો હતો.

(11:55 am IST)