રાજકોટ
News of Wednesday, 13th November 2019

બેડી માર્કેટયાર્ડમાં ગઇકાલના વરસાદથી મગફળી પલળી : નુકશાનીના આંકમાં ભારે વિસંગતતા

હજુ વરસાદની સંભાવના હોવાથી માલ ખૂલ્લામાં ન રાખવા અપીલ : યાર્ડના સતાધીશો પૂરતા શેડ બાંધે તેવી ખેડૂતો-વેપારીઓની લાગણી

રાજકોટ, તા. ૧૩ : ગઇકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદથી રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં ઘણી મગફળી પલળી ગઇ છે. ખેડૂતો માટે પડયા પર પાટા જેવી સ્થિતિ થઇ છે. આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહેલ યાર્ડમાં પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતોએ સહન કરવું પડે છે. ગઇકાલે મગફળી પલળી જવાથી થયેલ નુકશાન બાબતે યાર્ડના સતાધીશો અને વેપારી સંગઠનના આંકડાકીય દાવામાં મોટો તફાવત જોવા મળે છે. ખેડૂતોને આ બાબતે વળતર મળે તેવી કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.

બેડી યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાને પૂછતા તેમણે જણાવેલ કે ગઇકાલના વરસાદ પછી રાત્રે અને આજે સવારે યાર્ડમાં મેં જાત તપાસ કરી છે. વરસાદની આગાહીના પગલે મોટાભાગની મગફળી સલામત સ્થળે હતી. ખૂલ્લામાં રહેલી મગફળી પલળી છે, પરંતુ તડકો નીકળતા સુકાઇને ફરી વેંચાવાપાત્ર થઇ જશે. ગઇકાલના વરસાદથી યાર્ડમાં મગફળીને થોડુઘણું નુકશાન થયું છે, પરંતુ તે નુકશાનીનો આંકડો બહુ મોટો નથી. હજુ વરસાદની સંભાવના હોવાથી ખેત ઉપજ ખૂલ્લામાં ન રાખવા અપીલ છે.

કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કાયાણીએ જણાવ્યું હતું કે, ગઇકાલે પડેલ વરસાદના કારણે ર૦થી રર હજાર ગુણી મગફળી પલળી ગઇ હતી, જોકે આ મગફળીનો જથ્થો તડકામાં રાખવાથી સુકાઇ જશે. જેથી નુકશાનીનો ચોકકસ આંક કહી ન શકાય, પરંતુ પલળી ગયેલ મગફળી હોઇ ખેડૂતોને મગફળીના ભાવ મણે પ૦ થી ૧૦૦ રૂપિયા ઓછા મળે તેવી શકયતા છે. યાર્ડમાં દર વર્ષે વરસાદના કારણે ખેડૂતને નુકશાન જાય છે. તે અંગે સંબંધથી સત્તાધીશઓએ તાકીદે શેડ બાંધવાની વ્યવસ્થા કરવી જોઇએ. (૮.૧૧)

 

(3:38 pm IST)