રાજકોટ
News of Sunday, 13th October 2019

કાલે શરદ પૂનમ : ચાંદો ચઢશે આકાશ : ઠેરઠેર રાસોત્સવ

કાલે એક દિવસીય રાસોત્સવ તેમજ લ્હાણી વિતરણના કાર્યક્રમો : મોડી રાત્રે દુધ પૌવાના પ્રસાદનું થશે વિતરણ

રાજકોટ તા. ૧૨ : કહો પુનમના ચાંદને ઉગે આથમણી ઓર... સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના તેજોમય વાતાવરણમાં કાલની રાત્રી રઢીયાળી બની રહેશે. કાલે આસો સૂદ પુનમ એટલે કે શરદ પૂર્ણીમાની ઠેરઠેર રાસોત્સવ અને દુધ-પૌવાના પ્રસાદના કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે.

ગરબી મંડળો અને વિવિધ જ્ઞાતિ સમુદાયો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા  એક દિવસીય રાસોત્સવ જામશે. કાલેે શરદ પૂનમ નિમિતે આયોજીત વિશેષ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

શ્રીનાથધામ હવેલીમાં કાલે મનોરથ અને રાસોત્સવ

શ્રીનાથધામ હવેલી, નાનામવા મેઇન રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે કાલે શરદ પૂર્ણીમાં નિમિતે સાંજે ૭.૩૦ કલાકે મહારાસનો મનોરથ અને રાત્રે ૯ વાગ્યે રાસોત્સવનું આયોજન કરાયુ છે. કાર્યક્રમ પૂર્ણ થયે દુધ પૌવાના પ્રસાદનું વિતરણ કરાશે. સર્વે વૈષ્ણવોએ ઉપસ્થિત રહેવા શ્રીનાથધામ હવેલી (મો.૭૬૦૦૦ ૭૦૫૫૯) દ્વારા અનુરોધ કરાયો છે.

ગોવિંદ આશ્રમધામ  વિઠ્ઠલવાવ ગૌશાળા

આજીડેમ ચોકડીથી ૫ કિ.મી. આગળ ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગોવિંદ આશ્રમધામ વિઠ્ઠલવાવ ગૌશાળા ખાતે કાલે શરદોત્સવ ઉજવાશે. આજુ બાજુના રર ગામના ગરબી મંડળો ભાગ લેશે. સાંજે પ થી વહેલી સવાર સુધી રાસ ગરબાની રમઝટ બોલશે. સાંજે પ થી ૭ પ્રસાદનું પણ આયોજન કરાયુ છે. સાંજે ૮ થી ૮.૩૦ મહેમાનોની સ્વાગતવિધિ કરાશે. નાત જાતના ભેદભાવ વગર તમામ લોકોએ શરદોત્સવમાં ઉપસ્થિત રહેવા વશરામભાઇ (મો.૯૪૨૭૫ ૬૫૦૯૪) ની યાદીમાં અનુરોધ કરાયો છે.

જીવનનગર વિકાસ સમિતિ

રૈયા રોડ, બ્રહ્મસમાજ ચોક પાસે જીવનનગર ખાતે જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, નવરાત્રી મહોત્સવ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે કાલે શરદોત્સવ નિમિતે રાસ ગરબાનો કાર્યક્રમ રાત્રે ૧૦ થી ૧૨ રાખેલ છે. સામુહિક રાસ ગરબા બાદ રાત્રે દુધ પૌવાના પ્રસાદનું વિતરણ કરાશે. તેમ સમિતિની યાદીમાં જણાવાયુ છે.

રાધેશ્યામ ગૌશાળા ગાંધીગ્રામ

રૈયાધાર, પાણીના ટાકા પાસે, ગાંધીગ્રામ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવેલ રાધેશ્યામ ગૌશાળા ખાતે કાલે રવિવારે શરદપૂર્ણીમા ઉત્સવ ઉજવાશે. સાંજે ૭ વાગ્યે મોમાઇ ગરબી મંડળનો રાસ રજુ થશે. બાળાઓને લ્હાણી વિતરણ કરાશે. રામાપીરનો પાઠ તેમજ રાત્રે ૯.૩૦ વાગ્યે સંતવાણી રાખેલ છે. રામાપીરના પાઠના ગાદીપતિ શ્રી ભગવાનદાસબાપુ મુ. બાલોટ તેમજ કોટવાલ મોહનભાઇ ગોહેલછે. ધર્મપ્રેમી અને સેવાકર્મજનોએ પધારવા રાધેશ્યામ બાપુ (મો.૯૨૨૮૩ ૫૩૭૮૦) ની યાદીમાં જણાવાયુ છે.

(3:38 pm IST)