રાજકોટ
News of Monday, 13th September 2021

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ-ડીસીપી મનોહરસિંહ જાડેજાની નિચાણવાળા વિસ્તારોમાં વિઝીટઃ તમામ સ્ટાફને લોકોની મદદ માટે તૈનાત રહેવા સુચના

વધુ વરસાદની આગાહી હોઇ બને ત્યાં સુધી લોકોએ બહાર ન નીકળવું: ખુબ જરૂરીયાત હોય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ

રાજકોટઃ ગત રાત્રીથી રાજકોટ શહેરમાં શરૂ થયેલો વરસાદ આજે સવારથી મોડી બપોર સુધી સતત ચાલુ રહ્યો હોઇ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં અને અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં. ઘણા વિસ્તારોમાંથી લોકોને મ્યુ. કોર્પોરેશન તંત્રની ટીમોએ સલામત સ્થળે ખસેડ્યા હતાં. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી અને એસઓજી પીઆઇ આર. વાય. રાવલ સવારથી જ ટીમો સાથે શહેરના નીચાણવાળા વિસ્તારોની વિઝીટ માટે નીકળી ગયા હતાં અને તમામ મુખ્ય માર્ગો તેમજ વિસ્તારોમાં જે તે થાણા ઇન્ચાર્જ અને તેમની ટીમોને લોકોની મદદ માટે તૈનાત રહેવા જણાવ્યું હતું. પોલીસ કમિશનરશ્રી અગ્રવાલે લોકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ભારે વરસાદની હજુ પણ આગાહી હોઇ લોકોએ બને ત્યાં સુધી ખુબ જરૂર ન હોય તો ઘર બહાર નીકળવું નહિ. જો અત્યંત જરૂરી કામ હોય તો ૧૦૦ નંબર ઉપર પોલીસનો સંપર્ક કરવાથી પોલીસની મદદ મળી જશે.

શ્રી અગ્રવાલ સાથે ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પોલીસ ઇન્સ્પેકટર્સ તથા ટીમોએ પોપટપરા નાળા પાસે, લલુડી વોકળી વિસ્તાર, કેવડાવાડી, ત્રિકોણબાગ પાસે, સોરઠીયાવાડી સર્કલ પાસે તથા અન્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મુખ્ય માર્ગો પર જ પોલીસ અને ટ્રાફિક પોલીસને સતત લોકોની મદદ માટે તૈનાત રહેવા સુચનો કર્યા હતાં. જે લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડાયા છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવા પણ સુચનાઓ આપી હતી. તસ્વીરમાં પોપટપરા  નાળા પાસે અધિકારીઓ તથા બજરંગવાડી ચોકી ખાતે પીઆઇ કે. એ. વાળા સાથે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી હતી તે દ્રશ્ય અને છેલ્લી તસ્વીરમાં ચર્ચા કરતાં અધિકારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:43 pm IST)