રાજકોટ
News of Friday, 13th September 2019

આ રાજકોટ છે...લપસણા અને ઢીંઢા ભાંગી નાંખે તેવા રસ્તાઓ પર આપનું સ્વાગત છે!...શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન સામે એકાદ કલાકમાં પચાસેક વાહનો સ્લીપ થયા

સદ્દનસિબે કોઇને ગંભીર ઇજા ન થઇઃ એક જાગૃત નાગરિકે પથ્થરોની આડશ મુકી વાહન ચાલકોને સાઇડમાંથી જવા ચેતવ્યાઃ ભારે વરસાદ પછી ઠેકઠેકાણે આવી હાલતઃ સંબંધીત તંત્રવાહકો કયારે જાગશે?

રાજકોટઃ શહેરમાં ભારે વરસાદ પછી ઠેકઠેકાણે રસ્તાઓની પથારી ફરી ગઇ છે.  ખાડાખબડાથી ભરપુર રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે ભારે મુશ્કલી પડી રહી છે. તેમાં પણ ટુવ્હીલર ચાલકોની હાલત વધુ કફોડી છે. અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે કાચા-પાકા રસ્તાની હાલત ખરાબ થઇ ગઇ છે. અમુક વિસ્તારોમાં ગંદા ગોબરા પાણીના તળાવડા પણ ભરાયા છે. બે દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએ મુખ્ય રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓમાં બે વ્યકિતએ પોતે સુઇ જઇ નિંભર તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. અમુક જગ્યાએ તૂટેલા ફાટેલા રસ્તા રિપેર કરવા પોલીસને મેદાને ઉતરવું પડ્યું હતું. રાજકોટીયનો ટુવ્હીલર લઇને નીકળે ત્યારે લપસણા અને ઢીંઢા ભાંગી નાંખે તેવા રસ્તાઓ પર તેમનું સ્વાગત થઇ રહ્યું છે!...શહેરના શાસ્ત્રી મેદાનમાં કે જ્યાં કામચલાઉ બસ સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે એ રોડ પર એટલે કે લીમડા ચોકથી માલવીયા ચોક તરફ જતાં રોડ પર બસ સ્ટેશનના ગેઇટની સામેના ભાગનો રસ્તો ચીકણી માટીને કારણે કે અન્ય કારણોસર લપસણો થઇ જતાં આજે સવારે ધડાધડ ટુવ્હીલર ચાલકો સ્લીપ થયા હતાં. કેટલાકને નાની મોટી મુંઢ ઇજાઓ થઇ હતી. રસ્તો લપસણો થઇ ગયાથી અજાણ ટુવ્હીલર ચાલકો અચાનક આ સ્થળે પહોંચતા જ સ્લીપ થઇ ફંગોળાઇ જતાં હતાં. અડધા કલાકમાં લગભગ પચાસથી વધુ વાહન ચાલકો આ રીતે સ્લીપ થયા હતાં. એ પછી એક જાગૃત નાગરિકે લપસણા રસ્તાની આસપાસ પથ્થરો-ઇંટોની આડશ મુકી બીજા વાહન ચાલકો સ્લીપ ન થાય એ માટે તેઓને સાઇડમાંથી વાહન હંકારવા ચેતવ્યા હતાં. આ તો થઇ લપસણા રસ્તાની વાત, અન્ય વિસ્તારોમાં એવા અનેક માર્ગ છે જ્યાં ડામર કે મેટલ રોડના નામે ઉબડ ખાબડ સપાટી જોવા મળી રહી છે. ઠેકઠેકાણે ભંગાર રસ્તાઓની સમસ્યા મોઢુ ફાડીને ઉભી થઇ છે. મેઘરાજાએ હવે વિરામ લીધો છે ત્યારે સંબંધીત સત્તાધીશો હવે રસ્તા રિપેર કરવા મેદાને આવે તે જરૂરી છે. તસ્વીરમાં શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન સામેનો લપસણો રસ્તો અને વાહન ચાલકો સ્લીપ થયા તે દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:14 pm IST)