રાજકોટ
News of Friday, 13th September 2019

૬૦૦ લિટર દેશી દારૂ ભરેલી બોલેરો સાથે ખાટડીનો રાજૂ કાઠી પકડાયો

દારૂની હેરફેર કરનારા પાસેથી મોંઘોદાટ એપલ મોબાઇલ, રોકડ અને સાદો મોબાઇલ કબ્જેઃ કુવાડવા પોલીસે ધરપકડ કરીઃ શિવકુ અને નરેશના નામ ખુલ્યા

રાજકોટ તા. ૧૩: કુવાડવા પોલીસે જીજે૩બીટી-૫૬૯૬ નંબરની બોલેરો પીકઅપ ગાડીમાં રૂ. ૧૨ હજારનો ૬૦૦ લિટર દેશી દારૂ ભરીને નીકળેલા ચોટીલાના ખાટડી ગામના  રાજુ કનુભાઇ જાતવડા (કાઠી) (ઉ.૨૦)ને પકડી લઇ દારૂ, ગાડી, એપલ મોબાઇલ ફોન રૂ. ૪૦ હજારનો, એક સાદો ફોન રૂ. ૫૦૦નો, રોકડા રૂ. ૩૦૦૦ મળી કુલ રૂ. ૪,૫૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નાયબ પોલીસ કમિશનર રવિમોહન સૈની, એસીપી ઉત્તર એસ.આર. ટંડેલની સુચના અને પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, હેડબોન્સ. બી.ટી. ભરવાડ, કોન્સ. દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, દેવેન્દ્રસિંહ જાડેજા, અજીતભાઇ લોખીલ, દિપકભાઇ થરેચા અને યોગેશભાઇ પરમારે આ કામગીરી કરી હતી. આ દારૂમાં ખાટડીના શિવકુ માણભાઇ કાઠી અને ગોંડલ રોડ આંબેડકરનગરના નરેશ રાખશીયાના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(11:42 am IST)