રાજકોટ
News of Thursday, 13th September 2018

નવા થોરાડા રોડ પર આવારા તત્વો બેફામ

રામાપીર મંદિરથી ખીજડીયાવાળા મામાના મંદિર સુધી અસામાજિકોનું રાજ : સ્કૂલો છુટવાના સમયે છાત્રાઓની છેડતીઃ દારૂડિયા બેફામઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ચોંકી ઉઠયા

રાજકોટ તા.૧૩: શહેરની ભાગોળે આવારા તત્વો બેફામ બની રહયા છે. નવા થોરાળા મેઇન રોડ પર દારૂડિયા નશાની સ્થિતિમાં બહેનો-દીકરીઓની છેડતી કરી રહયા છે અને ભયનું વાતાવરણ ફેલાયું છે. આ અંગેની રજુઆત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલજી સુધી પહોંચતા તેઓ ચોંકી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આવારા તત્વો પર આકરા પગલાં ભરવા પોલીસ સક્રિય બની રહી છે. પોલીસ કમિશનરને થયેલી રજુઆત પ્રમાણે રાજકોટ શહેરના નવા થોરાળા મેઇન રોડ પર દલીતો, ભરવાડ, પટેલ સમાજ વર્ષોથી વસવાટ કરે છે. આ સમાજ વર્ષોથી ભાઇ-ચારાની જેમ રહે છે, પણ પાછલા ત્રણ-ચાર વર્ષથી નવા થોરાળા રામાપીરના મંદિરેથી ખીજડાવાળા મામાના મંદિર સુધીમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધી ગયેલ છે. ત્યાં દારૂ-જુગાર-છેડતીઓ કરવામાં આવે છે. મેઇન રોડ ઉપર એક સ્કુલ છે ત્યાં સવારના ૭ વાગ્યે, બપોરના ૧ર-૩૦ વાગ્યે અને સાંજના પ-૩૦ વાગ્યે જયારે બાળકો છુટે ત્યારે ન બોલવાના શબ્દો બોલે છે. બહેન દિકરીઓની છેડતી કરે છે દારૂ પીને ધમાલ કરે છે. છેડતી દારૂ ઝગડા બંધ થાય ત્યાંના રહીશો શાંતિથી જીવી શકે.

હમણાં થોડા વર્ષ પહેલા થોરાળાનો પેટ્રોલ પમ્પ લુંટાયો હતો. આ વિસ્તારમાં રીક્ષા ચાલકો કે રાહદારીઓ ચાલી શકતા નથી. રસ્તામાં ગમે ત્યાં વાહનો પાર્ક કરીને ત્રાસ આપે છે. જો પોલીસ કમિશ્નર આ વિસ્તારમાં પી.આઇ.ને છુટો દોર આપે તો દારૂ-જુગાર-છેડતી અને અસામાજીકોનો વિસ્તારમાંથી ત્રાસ દુર થાય તેવી લાગણી લોકોએ વ્યકત કરી છે.રાજકોટની આસપાસના વિસ્તારોમાં લૂખ્ખા તત્વોએ ભયનો માહોલ સજર્યો છે. અવાર-નવાર મોટા ગુન્હાઓ આચરે છે. નવા થોરાળા રોડ પર તો મોટું ઓપરેશન ચલાવીને અસામાજિકોને ઝડપી લેવાની જરૂર છે.

(4:14 pm IST)