રામનાથપરાના રિક્ષાચાલક અમિત ભરવાડ પર ૮ શખ્સોનો તલવાર, છરી અને ધારીયાથી હુમલો
પેલેસ રોડ પર બનાવઃ મોટા ભાઇના સાળા, બનેવી સહિત ૮ જણા તલવાર, છરી, ધારીયા, ધોકાથી તૂટી પડ્યાઃ અમિતની બહેન અને હુમલાખોર જયેશના બહેનના સામ-સામે સગપણ થયા છેઃ કોટુંબિક મનદુઃખ થતાં ડખ્ખો
રાજકોટ તા. ૧૩: રામનાથપરા-૭/૬ના ખુણે રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરતાં અમિત કનુભાઇ ખીંટ (ઉ.૨૮) નામના ભરવાડ યુવાનને તે રિક્ષા હંકારી પેલેસ રોડ શિલ્પા જ્વેલર્સવાળી શેરીમાંથી પસાર થતો હતો ત્યારે તેના બનેવી તેમજ મોટાભાઇ શ્યામ ખીંટના સાળા અશોક ઉર્ફ લાલો ચાવડીયા સહિત આઠ શખ્સોએ આંતરી ઝઘડો કરી છરી, તલવાર, ધારીયા, પાઇપ, લાકડીથી હુમલો કરી માથા, હાથ, શરીરે ઇજાઓ કરતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. પોલીસે રાયોટનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે.
એ-ડિવીઝન પોલીસે અમિત ખીંટની ફરિયાદ પરથી નવલનગર અને લક્ષ્મીવાડીમાં રહેતાં અશોક ઉર્ફ બાબો, ડાયા દિનુ ચાવડીયા, મયુર ચંદુ ચાવડીયા, જયેશ, ટીટો દિનેશ ચાવડીયા, જીજ્ઞેશ સુરેશભાઇ ચાવડીયા અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. અમિતના કહેવા મુજબ પોતે ગત બપોરે રિક્ષા લઇને પેલેસ રોડ પરથી નીકળતો હતો તયારે અશોક ઉર્ફ લાલો સહિતના આવ્યા હતાં અને રિક્ષા આંતરી શસ્ત્રો સાથે તૂટી પડ્યા હતાં. લોકો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં.
બનાવનું કારણ એવું છે કે અમિતના માતા મંજુબેન અને તેની પત્નિ જ્યોતિને મોટા ભાઇ શ્યામભાઇની પત્નિ અનિતા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. અનિતા સાથે ઝઘડાનું કારણ એવું છે કે અમિતની મોટી બહેન ગીતા જે હુમલો કરનારા પૈકીના જયેશ ભરતભાઇ ચાવડીયાના ઘરમાં છે. સામ-સામુ સગપણ છે. આમ અનિતા અને ગીતા નણંદ-ભોજાઇ થાય છે. ગીતાબેન સાથે તેના સાસરિયાએ કોઇ કારણે બોલાચાલી કરી હોઇ તેથી અમિતના માતા અને પત્નિએ જયેશની બહેન અનિતા સાથે ઝઘડો કર્યો હતો. આ બાબતનો ખાર રાખી અમિતને આંતરીને હુમલો કરાયો હતો. પીએસઆઇ કે. એ. જાડેજાએ પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરી હેઠળ તપાસ હાથ ધરી છે.