ગુરૂજીનગર શાકમાર્કેટ પાસેથી ચોરાઉ મોબાઈલ કરનાર રોહીત ઉર્ફે કાલી પકડાયો
કાલીએ ૨૦ દિવસ પહેલા કેનાલ રોડ પર મોબાઈલની ચીલઝડપ કરી'તી
રાજકોટ તા.૧૩ :. સાધુવાસવાણી રોડ ગુરૂજી નગર શાક માર્કેટ પાસે ચોરાઉ મોબાઇલ સાથે બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એન.બી. ડોડીયા, હેડ કોન્સ. હરેશભાઇ, ઇકબાલભાઇ, રાજેશભાઇ, ધર્મરાજસિંહ, રવિરાજસિંહ, મુકેશભાઇ, રાવતભાઇ અને ધર્મેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા, ત્યારે સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર શાકમાર્કેટ પાસે ગીરદીનો લાભ લઈ રાહદારીઓના ખીસ્સા ફંફોળતા રોહીત ઉર્ફે કાલી પરેશભાઈ કતીરા (ઉ.વ.૨૧) (રહે. વિનાયક સોસાયટી)ને શંકાના આધારે પકડી પૂછપરછ કરતા તેની પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. તેણે આ મોબાઈલ ૨૦ દિવસ પહેલા કેનાલ રોડ ઉપરથી ચીલઝડપ કરેલ હોવાનું જણાવતા યુનિવર્સિટી પોલીસે તેને પકડી એ-ડિવીઝન પોેલીસને સોંપ્યો હતો.(૨-૧૯)