રાજકોટ
News of Wednesday, 12th September 2018

મચ્છરો સામે લડવા વધુ એક વખત ઝુંબેશઃ ૧૭મીથી વન-ડે થ્રી વોર્ડ 'વન મોર'

રોગચાળો કાબુમાં લેવા વોર્ડ નં. ૪, ૧, ૨માં ઘનિષ્ઠ સફાઇ - દવા છંટકાવની કાર્યવાહી થશે : સરકાર આપવા પદાધિકારીઓની અપીલ

રાજકોટ તા. ૧૨ : શહેરમાં મચ્છર જન્ય ડેન્ગ્યુ - મેલેરિયાનો રોગચાળો બેકાબુ બન્યો છે ત્યાં મ્યુ. કોર્પોરેશન દ્વારા વધુ એક વખત 'વન-ડે થ્રી વોર્ડ' ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની આરોગ્યલક્ષી અને સફાઈલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવે છે. આપણું રાજકોટ સ્વચ્છ રાજકોટ સ્વસ્થ રાજકોટ રહે તે ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે થ્રી વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ શહેરના તમામ વોર્ડમા યોજાય તેવું આયોજન. આ અંગે માહિતી આપતા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, હાલમાં ચોમાસું વિદાય લેવાની તૈયારી છે. તેમજ જન્માષ્ટમીના તહેવારો પણ પૂર્ણ થયા છે હવે શહેરમાં ફરી આરોગ્ય અને સફાઈલક્ષી જાગૃતતા માટે શહેરના તમામ વોર્ડમાં સમયાંતરે ઝુંબેશ યોજાય તે જરૂરી છે.

આ માટે આગામી તા.૧૭થી શહેરના વોર્ડ નં. ૪, ૧ તથા ૨થી આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે જે અંતર્ગત શહેરના તમામ મુખ્ય માર્ગોની સાથો સાથ રહેણાંક વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ કરવામાં આવશે, મેલેથોન તથા લાઈમ પાવડરનો છંટકાવ કરવામાં આવશે, કચરાના ન્યુસન્સ પોઈન્ટ પર જરૂરિયાત પ્રમાણે ટીપરવાન, ટ્રેકટર અને ડમ્પર દ્વારા કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવશે, વોકળામાં જરૂરિયાત મુજબ જે.સી.બી. દ્વારા સફાઈ કરવામાં આવશે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમ દ્વારા તમામ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, ઘેર ઘેર જઈ પાણીના ટાંકામાં દવા નાખવાની કામગીરી ખુલ્લા રહેતા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલી નાખવાની કામગીરી તથા ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ સફાઈ અને આરોગ્ય માટે લોકોમાં સ્વયમ જાગૃતિ આવે તે માટે પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવશે. આ કામગીરીમાં સહકાર આપવા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાએ જાહેર જનતાને અપીલ કરેલ છે.(૨૧.૨૧)

(4:09 pm IST)