રાજકોટ
News of Wednesday, 12th September 2018

ગણપતિ આયો બાપા... : કાલથી ગણેશ ઉત્સવનો પ્રારંભ

રાજકોટમાં ૨૦૦ થી વધુ સ્થળે થશે સ્થાપન : રેસકોર્ષ ચોક, ત્રિકોણબાગ ચોક, નાનામવા સર્કલ, સાધુવાસવાણી રોડ સહીતના વિસ્તારોમાં જાજરમાન આયોજનો

કાલથી વાજતે ગાજતે ગણેશજીનું સ્થાપન : દાદાની મૂર્તિઓને શણગારવાની કામગીરને આખરી ઓપ : રાજકોટ : મંગલમૂર્તિ ગણપતિદાદાના મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. દાદાના વાજતે ગાજતે સામૈયા કરી ઘરે ઘરે અને ચોકે ચોકે સ્થાપન કરાશે. તેમના ગુણલા ગાવાની મંગલ ઘડીઓ નજીક આવી પહોંચતા સ્થાપન માટેની મૂર્તિઓને મોહક બનાવવા કારીગરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દાદની મૂર્તિઓને રંગીન વસ્ત્રો, અલંકારો અને અવનવા રંગોથી સુશોભિત કરવામાં આવી રહી છે. રાજકોટમાં કલાકારીગરો દ્વારા મૂર્તિઓને શણગારવા થઇ રહેલ અંતિમ તબકકાની કામગીરી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨ : ગજાનનના ગુણલા ગાવા રાજકોટ સહિત આખુ સૌરાષ્ટ્ર સજજ થઇ ગયુ છે. રાજકોટની જ વાત કરીએ તો ૨૦૦ થી વધુ સ્થળોએ ગણેશ ઉત્સવ માટે મૂર્તિ સ્થાપનની પૂર્ણ તૈયારીઓ થઇ ચુક છે. ચોકે ચોકે કાલથી ગણેશ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ થઇ જશે.

ખાસ કરીને ત્રિકોણબાગ, રેસકોર્ષ ચોક, સાધુવાસવાણી ચોક, નાના મૌવા સર્કલ, રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, રણછોડનગર સહીતના વિસ્તારોમાં જાજરમાન આયોજનો થયા છે. કાલે શુભમુહુર્તે દાદાની મૂર્તિઓનું સ્થાપન કરાયા બાદ કયાંક એક દિવસ, કયાંક ત્રણ દિવસ તો કયાંક અગિયાર દિવસીય ઉત્સવ ઉજવાશે. દરરોજ સવાર સાંજ આરતી ધૂન અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. છેલ્લે દિવસે વાજતે ગાજતે વિસર્જન યાત્રા યોજી સમાપન કરાશે.

મહારાષ્ટ્રમાં ઉજવાતો આ ઉત્સવ હવે જાણે સૌરાષ્ટ્ર ગુજરાતવાસીઓ માટે પણ પોતીકો બની રહ્યો છે. ચોમેર ભારે ઉમંગ ગણેશ ઉત્સવને લઇને છવાયો છે. પંડાલોમાં દિવ્ય મૂર્તિ અને રોશનીની સજાવટો માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

કાલથી રાજકોટ ગણેશજીના ગુણલા ગાવામાં મગ્ન બની જશે.

(3:58 pm IST)