રાજકોટ
News of Wednesday, 12th September 2018

પીરવાડી, જંગલેશ્વર, ભીસ્તીવાડ, દૂધની ડેરી વિસ્તારમાં મહેબૂબ ચરસ વેંચતો હતો : ૧ તોલાનો ભાવ રૂ. ૨૫૦૦

૮૧ લાખના ચરસ સાથે ઝડપાયેલા જંગલેશ્વરના ૪ શખ્સો પાસેથી વધુને વધુ વિગતો ઓકાવવા પુછપરછ

રાજકોટ, તા. ૧૨:  જંગલેશ્વરમાંથી રૂ. ૮૧,૩૨,૦૦૦ના ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ સાથે ચાર શખ્સોને ઝડપી લેવાયા બાદ સુત્રધાર  જંગલેશ્વર-૧૩/૧૯માં રહેતો મહેબૂબ ઓસમાણભાઇ ઠેબા (ઉ.૩૭) સહિત ચારેય ૧૪ દિવસના રિમાન્ડ પર  છે. પોલીસ મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા મથામણ કરી રહી છે. મહેબૂબ અને સાગ્રીતો બંધાણીઓને શહેરના પીરવાડી, જંગલેશ્વર, ભીસ્તીવાડ, દૂધની ડેરી આસપાસના વિસ્તારોમાં ચરસ વેંચતો હતો. આ ચરસ તે ૧ તોલાના રૂ. ૨૫૦૦ લેખે વેંચતો હતો.  પોલીસ જરૂર પડ્યે જયપુર અને કાશ્મીર સુધી તપાસ લંબાવે તેવી શકયતા છે. મહેબૂબ ઠેાની સાથે જંગલેશ્વર-૫ના ઇલ્યાસ હારૂનભાઇ સોરા (ઉ.૨૬), જંગલેશ્વર-૧૩/૧૯ના જાવેદ ગુલમહમદ દલ (ઉ.૩૯) અને જંગલેશ્વર-૧૧ના રફિક ઉર્ફ મેમણ હબીબભાઇ લોયા (ઉ.૫૫)ને પણ ઝડપી લેવાયા હતાં. ચરસનો જથ્થો કાશ્મીરથી યાકુબખાન નામના શખ્સે સપ્લાય કર્યાની વિગતો બહાર આવી ચુકી છે. તેમજ જુનાગઢનો પટેલબાપુ નામનો શખ્સ યાકુબખાન મારફત આ માદક પદાર્થ મહેબૂબ સુધી પહોંચાડતો હતો. આ ચારેયના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર થયા હોઇ પોલીસ ચરસના ધંધાની જીણામાં જીણી વિગતો મેળવવા અને મુળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે.

નારકોટીક બ્યુરો તરફથી મળેલી માહિતીને આધારે રાજકોટ પોલીસે મહેબુબ ઓસમાણ ઠેબા, તેના સાગ્રીત ઈલિયાસ હારૂનભાઈ સોરા, મહેબૂબના ઉપરના મકાનમાં રહેતાં તેના બનેવી તેમજ મહેબૂબના મિત્ર રફીક ઉર્ફે મેમણને કુલ ૮૧ લાખ ૩૨ હજારના ૮ કિલો ૧૩૨ ગ્રામ ચરસ સાથે પકડી લીધા હતાં.

ઝડપાયેલા ચારેય શખ્સો સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૦-બી (ાંાં) સી તથા ૨૯ મુજબનો ગુન્હો ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતાં ચારેય આરોપીઓનો કબ્જો સંભાળી પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે આગળની તપાસ શરૂ કરી ૧૪ દિવસની રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં ચારેયના ૧૪ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં મહેબૂબે એવી કબુલાત આપી હતી કે પોતે ચરસ પીવાનો બંધાણી હોઇ બાદમાં ધીમે-ધીમે પોતે જ આ પદાર્થ મંગાવતો થઇ ગયો હતો. તેના દાદા અને પિતા પણ આ રીતે છૂટક ચરસ લાવીને વેંચતા હતાં.  અજમેર નજીક એક દરગારહના મુંજાવર થકી તેની ઓળખ કાશ્મીરના યાકુબ ખાન સાથે થઇ હતી. યાકુબે પોતે ચરસ પુરૂ પાડશે તેવી વાત કરતાં બંને વચ્ચે ડીલીંગ શરૂ થયું હતું અને બે મહિનામાં જ સાત-આઠ કિલો જેટલુ ચરસ તેણે સપ્લાય કર્યુ હતું. 

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીને માહિતી આપતાંડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઈમ  શ્રી જયદીપસિંહ સરવૈયા અને મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ ધાખડા, નિલેષભાઇ મકવાણા  સહિતની ટીમ તપાસ ચલાવે છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે  મહેબૂબ અને સાગ્રીતો રાજકોટમાં પીરવાડી, જંગલેશ્વર,  ભીસ્તીવાડ, દૂધની ડેરી આસપાસ સહિતના વિસ્તારોમાં ચરસ વેંચતા હતાં. આ ખરીદારો અંગે પણ તપાસ થઇ રહી છે. ઉચ્ચ અધિકારીઓનો આદેશ થશે તો ટૂકડી કાશ્મીર તપાસાર્થે પણ જાય તેવી શકયતા છે. (૧૪.૮)

 

(3:38 pm IST)